ગાંધીધામમાંથી 600 બોરી શંકાસ્પદ ઘઉંનો જથ્થો પકડી પાડતી પોલીસ

ગાંધીધામમાંથી 600 બોરી શંકાસ્પદ ઘઉંનો જથ્થો પકડી પાડતી પોલીસ
ગાંધીધામ,તા.21: શહેરનાં જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલાં એક ગોદામમાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ છાપો મારી ચોરી કે છળકપટથી મેળવાયેલા રૂ. 4,20,000 ના  ઘઉં સાથે એક શખ્સની અટક કરી  હતી. શહેરનાં જી.આઈ.ડી.સી.માં  પ્લોટ નં. 53 ગુજરાત મિલીંગ ઈન્ડસ્ટ્રીઝમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો પડયો હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી. એ  કાર્યવાહી કરી હતી. આ ગોદામમાં ભારતીય ખાદ્ય નિગમ તથા ગવર્નમેન્ટ ઓફ  હરિયાણા લખેલી  600 બોરીઓ પડી હતી. આ કંપનીના મેનેજર  એવા સંતોષ શિવ પાસવાન પાસેથી આ જથ્થા અંગે આધાર પુરાવા કે બિલ મંગાતા તે પૂરા પાડી શકયો ન હતો. આ ઘઉં ચોરી કે છળકપટથી  મેળવાયેલા હોવાનું  જણાતા અહીંથી રૂ. 4,20,000 ની 600 બોરી ઘઉં હસ્તગત કરી મેનેજરની અટક  કરવામાં આવી હતી. એફ.સી.આઈ.એ આ ઘઉંનો વીમો કરાવ્યો હતો અને આ માલ પલળી જતાં ખાનગી બેંકે વીમો ચૂકવી આપી માલ પોતે  લઈ લીધો હતો અને બાદમાં આ માલની હરાજી કરાઈ હતી. જેમાંથી ભગવતી ઈન્ટરનેશનલ કંપનીએ આ ઘઉં ખરીદી લઈ અહીંના ગોદામમાં આ માલ  સૂકવવા રાખ્યો હોવાનું  સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. તેમ છતાં ખરેખર શું છે તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer