ભુજમાં 15,000 ચો.મી.થી વધુ જમીન દબાણમુક્ત

ભુજમાં 15,000 ચો.મી.થી વધુ જમીન દબાણમુક્ત
ભુજ, તા. 21 : જિલ્લા મથક અને તેની આસપાસના વિસ્તારમાં સરકારી જમીન પર વ્યાવસાયિક દબાણોનો મોટાપાયે રાફડો ફાટયા બાદ મળેલી ફરિયાદના આધારે દબાણો દૂર કરવા માટે પાછલા એકાદ પખવાડિયાંથી છેડાયેલી ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધી લગભગ 15 થી 20 કરોડની કિંમતની 15,000 ચોરસ મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરી દેવાઈ છે. આજે સરપટ નાકા બહાર હાથ ધરાયેલી કામગીરીમાં વધુ 2,250 ચો.મી. જમીનને દબાણકારોના કબજામાંથી મુક્ત કરાવાઈ હતી. મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીએ આપેલી વિગતો અનુસાર સરપટ નાકા બહાર ખાવડા રોડ પર રેલવે ક્રોસિંગની બાજુમાં રેસ્ટોરન્ટ, મીઠાઈ-ફરસાણની દુકાન, પાન સેન્ટર ઉપરાંત કપડાં-કરિયાણાની દુકાન સહિતના 11 ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ થઈ ગયાનું ધ્યાને પડતા તમામ દબાણકારોને આગોતરી નોટિસ પાઠવ્યા બાદ આજે આ દબાણ દૂર કરવા માટેની હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત 5 કરોડની કિંમતની 2,250 ચો.મી. જમીનને દબાણકારોના કબજામાંથી મુક્ત કરાવાઈ હતી.  ઉલ્લેખનીય છે કે, વીતેલા પખવાડિયા દરમિયાન મિરજાપર માધાપર હાઈવે ઉપરાંત ભુજ શહેરી વિસ્તારમાં અલગ અલગ સ્થળે દબાણ હટાવ ઝુંબેશ છેડી કરોડો રૂપિયાની જમીનને દબાણમુક્ત કરાવાઈ છે.  સરપટ નાકા પાસે આદરાયેલી કામગીરીમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ શૈલેષ પંડયા,  સિટી મામલતદાર યુ.એ. સુમરા, શિરસ્તેદાર વી. કે. પટેલ ઉપરાંત વીજતંત્ર, નગરપાલિકા અને સિટી સર્વેની ટીમ જોડાઈ હતી. મોટા ભાગના દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લેતાં તંત્રને બુલડોઝર ફેરવવાની નોબત આવી ન હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer