સાંઢાના સંરક્ષણ માટે કેમેરાથી નિરીક્ષણ અને સંશોધન માટે યુવાનોની સમિતિ રચાઈ

સાંઢાના સંરક્ષણ માટે કેમેરાથી નિરીક્ષણ અને સંશોધન માટે યુવાનોની સમિતિ રચાઈ
ભુજ, તા. 21 : ઘણીવાર કચ્છમાં શિકારી પ્રવૃત્તિઓના સમાચાર વાંચવા મળે છે. સ્થાનિક રહેવાસી અને પ્રકૃતિપ્રેમીઓમાં ગુસ્સાભરી લાગણીઓ ઉભરી આવે છે. કુદરતી સંરક્ષણ અને જીવોનું સંરક્ષણ થાય એવી પ્રવૃત્તિ સંસ્થાઓ, પંચાયતો, સમુદાયો, પ્રકૃતિપ્રેમીઓ દ્વારા કરાય છે, ત્યારે તેમના પ્રત્યે માન થઈ આવે છે. આવો જ એક દાખલો અબડાસા તાલુકાની લઠેડી પંચાયતે બેસાડવાની કોશિશ કરી છે. આ પંચાયતે થોડા વર્ષો અગાઉ જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અનુસંધાને જૈવિક વિવિધતા વ્યવસ્થાપન સમિતિ (બી.એમ.સી.)ની રચના કરી હતી. ત્યારબાદ પોતાની પંચાયતની હદમાં કોઈ પણ પ્રકારની શિકારી પ્રવૃત્તિ ન થાય એ માટે રાત્રિ પહેરો ગોઠવ્યો અને કોઈ શંકાસ્પદ માલુમ થાય તો તુરંત જ પોલીસ કે વનવિભાગને જાણ કરવાની પણ તાકીદ કરી હતી.આ સમિતિએ સ્થાનિક માલધારીઓ સાથે મળીને પોતાની સીમનું રક્ષણ થાય, ગૌચર જમીનોની માવજત થાય અને નાશપ્રાય પામતી પ્રજાતિઓ જેવી કે, સાંઢા, ચિંકારા-હરણ, સસલા, સુડીયો વનસ્પતિ, ગૂગળ વનસ્પતિ વગેરેની સંરક્ષણની પણ જવાબદારી નિભાવી રહ્યા છે. હાલમાં જ આવી પ્રવૃત્તિના ભાગરૂપે લઠેડી જૈવિક વિવિધતા વ્યવસ્થાપન સમિતિએ સ્થાનિક કક્ષાએ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હીની સહાયથી તથા સહજીવન સંસ્થા અને વનવિભાગ સાથે મળીને એક ગોષ્ઠીનું આયોજન કર્યું હતું જેમાં 25થી પણ વધુ લઠેડી ગામના મોભીઓ જોડાયા હતા. સાંઢાના સંરક્ષણ માટે શક્ય બધા પ્રયાસો કરીને આવા કુદરતી જીવોને પોષણ મળી શકે એ માટે વનવિભાગ સાથે રહીને તૈયારી દર્શાવી હતી. ભવિષ્યમાં આ માટે સ્થાનિક યુવાનોને તૈયાર કરીને રોજે-રોજ સીમાડામાં ચોકી ભરી શકે એ માટેની પણ સમિતિ કક્ષાએથી રજૂઆત થઈ હતી. આ સમગ્ર આયોજનમાં વન વિભાગે સહાય અને જરૂરી માર્ગદર્શન માટે સમયાંતરે બેઠકો યોજી સાંઢા સંરક્ષણમાં મદદ માટે તૈયારી દર્શાવી હતી. ઉપરાંત સહજીવન સંસ્થા અને વાઈલ્ડ લાઈફ સંસ્થા પણ ભવિષ્યમાં બીએમસીએ આ માટે કેમેરાથી સાંઢાનું નિરીક્ષણ અને સંશોધન માટે જવાબદારી લીધી હતી. ગોષ્ઠીના અંતે તમામ સભ્યો, વનવિભાગના અધિકારીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓએ સાંઢા સંરક્ષણની ત્રણ સાઈટની મુલાકાત પણ લીધી હતી તેવું સહજીવનના ડો. પંકજ જોશીની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer