માધાપરમાં મોદી બાગનું લોકાર્પણ, આત્મનિર્ભર યોજના તળે 70 લાભાર્થીને ચેક અર્પણ કરાયા

માધાપરમાં મોદી બાગનું લોકાર્પણ, આત્મનિર્ભર યોજના તળે 70 લાભાર્થીને ચેક અર્પણ કરાયા
ભુજ, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિનની ઉજવણી પ્રસંગે માધાપર સ્પોર્ટ દ્વારા મોદી બાગનું માધાપર જૂનાવાસમાં લોકાર્પણ કરાયું હતું. પાટ હનુમાન માધાપર ખાતે ખુલ્લા મુકાયેલા મોદીબાગમાં સફાઈ કામદારોને વીમા તેમજ નાના માણસોને આત્મનિર્ભર બનાવી આર્થિક સમૃદ્ધ કરવાના ચેક વિતરણ કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે કચ્છમાં આત્મનિર્ભર યોજના હેઠળ થયેલા ચેક વિતરણની વાત કરી હતી તેમજ માધાપરમાં રૂા. 49 લાખના ખર્ચે થનાર ગટરકામ બાબતે જાણકારી આપી હતી. કોરોનામાં નાના મધ્યમ લોકોને આર્થિક રીતે બેઠા કરવા સરકારની યોજનાને તેમણે વખાણી હતી. આ તકે તેમણે કોવિડ-19ની સાવચેતી માટે સૌને માહિતગાર કર્યા હતા. રાજકોટ નાગરિક બેંક ભુજ શાખા દ્વારા 70 લાભાર્થીને આત્મનિર્ભર યોજના હેઠળ રૂા. 1 કરોડથી વધુના ચેક આ તકે ચેરમેન દિલીપભાઈ ત્રિવેદી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. વડાપ્રધાનની આત્મનિર્ભર ભારત યોજના સાકાર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણયથી આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારી, દુકાનદારો, પાથરણાવાળાઓને આર્થિક રીતે સમૃદ્ધ કરવા રૂા. 250 કરોડથી વધુ આર્થિક મદદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા આર્થિક સમૃદ્ધ યોજના હેઠળ પણ રાજકોટ નાગરિક સહકારી બેંક મહિલાઓને લોન આપશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેરા તુજકો અર્પણ સંસ્થાના હિતેશભાઈ ખંડોરે આ તકે માધાપરના 70 સફાઈ કામદારોને અપાયેલા પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજનાના ચેક અર્પણ કરાવતા રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પાટ હનુમાન ખાતે 251 હનુમાન ચાલીસાનું પઠન કરવા માટે માધાપર સ્પોર્ટના કેસરિયાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા સેવા સપ્તાહમાં કરાયેલા વિવિધ વિકાસ-સેવા કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. અબડાસા પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધનજીભાઈ ભુવા, નિયતિબેન પોકાર, પ્રવીણભાઈ ખોખાણી, કિરીટભાઈ સોમપુરા, પ્રવીણભાઈ પિંડોરિયા, દેવેન્દ્રસિંહ જેઠવા, દાદુભા ચૌહાણ, ભરતભાઈ ગોર, વિજય સી. રાજપૂત, ગોવિંદભાઈ ખોખાણી, દેવજી બાપા, ભૂપેશભાઈ ડબાસિયા હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer