કોઈ અકળ બીમારીમાં અબડાસાના આશરે ચાર હજાર ઘેટાં-બકરાંનાં મોત

કોઈ અકળ બીમારીમાં અબડાસાના આશરે ચાર હજાર ઘેટાં-બકરાંનાં મોત
નલિયા, તા. 21 : અબડાસામાં છેલ્લા દોઢેક માસથી ઝીણા માલમાં અગમ્ય રોગચાળો દેખાતાં ભારે વરસાદમાં ઉગરી ગયેલા ઘેટાં-બકરાંના ટપોટપ મોત થઈ રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં-બકરાંની સારવાર તો કરાઈ રહી છે. પણ સારવાર કારગત નીવડતી નથી. અગમ્ય બીમારીનાં કારણે છેલ્લા દોઢેક માસમાં 4000 ઘેટાં-બકરાંના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.  તાલુકાના 20 ગામોમાં આ અગમ્ય રોગચાળાએ દેખા દીધી છ, જેમાં ઘેટાં-બકરાંના પાછળનાં પગ જકડાઈ જાય છે. પશુને ઝાડા થાય છે. ફેફસાં ખરાબ થઈ જાય છે. પશુનો આંચળ પાસેનો ભાગ પાકી જાય છે અને આ મોતને ભેટે છે. તાલુકાના રાયધણજર, મંજલ, નુંધાતડ, ખીરસરા (વિ), નાનાવાડા, ધનાવાડા, સાંધાણ, વરાડિયા, આમરવાંઢ, ગઢવાડા, નાગોર, સાંધવ, નલિયા વગેરે ગામોમાં મરણનું પ્રમાણ વિશેષ રહ્યું છે. પશુપાલન ખાતાને રોગના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી નથી. બીમાર ઘેટાં-બકરાંને કૃમીની દવાનો ડોઝ પીવડાવવામાં આવે છે. એકાદ ઈન્જેક્શન આપવામાં આવે છે જેનાથી બીમારી કાબૂમાં આવતી નથી અને બીમારીમાં પટકાયેલા ઝીણામાલના ટપોટપ મોત થાય છે. હાલે ઘેટાં-બકરાંની કિંમત એક પશુની સાતથી દસ હજારની છે. મૃત્યુ પામેલા પશુની નોંધ કોઈ લેતું નથી. પરિણામે માલધારી વર્ગમાં મોટી આર્થિક હાની અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રોગચાળાને કાબૂમાં લેવા ખાસ ટૂકડી કામે લગાડવા અને મૃત્યુ પામેલા પશુની સહાય ચૂકવવા માગણી કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer