રાપરમાં રખડતા ઢોરો સામે ઝુંબેશ શરૂ

રાપરમાં રખડતા ઢોરો સામે ઝુંબેશ શરૂ
રાપર, તા. 21 : વાગડ વિસ્તારમાં ઠેરઠેર ઢોર રખડતા જોવા મળે છે. કારણ કે રાપર તાલુકામાં આવેલા પાંજરાપોળ દ્વારા ઢોર રાખવામાં આવતા નથી એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો અને લોકો ઢોર મૂકવા માટે રાપર આવે છે ત્યારે પાંજરાપોળમાં ઢોર રાખવાની ના પાડવામાં આવે છે અને દૂરદૂરથી આવેલા ઢોર શહેરના પાદરમાં મૂકી લોકો જતા રહે છે.અવારનવાર આવા રખડતા ઢોરો વચ્ચે ફાઈટ જામી જાય છે ત્યારે લોકોને ઈજા થાય છે અને વાહનોમાં ભારે નુકસાન થાય છે. હાલમાં રાપર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મહેશ્વરીબા ભીખુભા સોઢા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, માજી ઉપપ્રમુખ હઠુભા સોઢા, કિશોર ઠક્કર, ભીખુભા સોઢા, નીલેશ માલી સહિતના સદસ્ય અને આગેવાનોએ ગત રાત્રે રાપર શહેરમાં રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરી હતી અને રખડતા ખુંટીયા પકડીને એક વરંડામાં રાખવામાં આવ્યા છે. શહેરના અયોધ્યાપુરી, માલી ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તાર, સલારી નાકા, આથમણા નાકા શાક માર્કેટ, માંડવી ચોક વિકાસ વાડી, સ્વ. અલજીબાપુ વાસ, ખોડિયાર મંદિર રોડ સહિતના વિસ્તારોમાં અડિંગો જમાવીને પડયા રહેતા રખડતા ઢોરો અંગે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ મહેશ્વરીબા સોઢાએ જણાવ્યું હતું કે, શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે કોઈ માલિકોના ઢોર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ સંસ્થાના ઢોર હશે તો પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. કારણ કે સંસ્થાના અનેક ઢોર રખડતા જોવા મળે છે. આમ રાપર નગરપાલિકાના મહિલા પ્રમુખ અને નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓની કામગીરીની સરાહના થઈ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer