ગાંધીધામ સંકુલના 109 કિ.મી.ના માર્ગો ધોવાઇ જતાં 11.96 કરોડ મંજૂર

ગાંધીધામ સંકુલના 109 કિ.મી.ના માર્ગો ધોવાઇ જતાં 11.96 કરોડ મંજૂર
ગાંધીધામ, તા. 21 : આ શહેર અને સંકુલના લગભગ તમામ રસ્તા વરસાદમાં ધોવાઇ ગયા છે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. 09 કિ.મી.ના માર્ગોની મરમ્મત માટે સરકાર દ્વારા રૂા. 11.96 કરોડની ગ્રાન્ડ ફાળવવામાં આવી છે પરંતુ આ તમામ ગ્રાન્ટ માર્ગોના નવીનીકરણ માટે વાપરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે.જિલ્લાના આર્થિક પાટનગર એવા આ સંકુલમાં આ વર્ષે વરસાદે પાલિકાની પોલ પાધરી કરી નાખી હતી. અનેક જગ્યાએ ગટરની લાઇનો બેસી ગઇ છે તો લગભગ તમામ માર્ગો વરસાદમાં ધોવાઇ ગયા છે. આવા રોડ ઉપર પડેલા ખાડાઓ ભરવા તેના ઉપર કાર્પેટ કે સિલકોટ કરવા પાલિકાને સરકાર દ્વારા રૂા.11.96 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ કામગીરી પણ કોઇ ઠેકેદારને સોંપવામાં આવશે. 109 કિ.મી.ની ત્રિજયામાં તૂટેલા તથા 3 વર્ષ પહેલાંના માર્ગો ઉપર જ રીસરફેશિંગ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ખાનગી કોન્ટ્રાકટરોએ જે રોડ બનાવ્યા હશે તે કરાર મુજબ કોન્ટ્રાકટરો એ જ મરમ્મત કરવા પડશે પરંતુ આવું થશે નહીં તેવું સૂત્રો જણાવી રહ્યા છે. કરારમાં હશે તેવા માર્ગોની મરમ્મત પણ પાલિકા જ કરશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ખાનગી કોન્ટ્રાકટરોએ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 7 કિ.મી.ના રોડ જ બનાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. હાલમાં સરકારમાંથી આવેલી 12 કરોડ જેટલી ગ્રાન્ટમાંથી માત્ર મુખ્ય રોડ જ લેવાયા છે. આંતરિક માર્ગો લેવાયા નથી. તેમજ જે ડામર રોડ હશે તેની જ મરમ્મત કરવામાં આવશે આર.સી.સી. રોડની મરમ્મત કરાશે નહીં તેમ છતાં આદિપુરમાં તથા ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં નવા બનેલા આર.સી.સી. રોડ તોડીને નવા માર્ગો બનાવવાની કામગીરી હાથ ધરાતાં લોકોમાં ચકચાર પ્રસરી હતી. લોકોના પૈસાનું આવી રીતે પાણી કરાતાં લોકોના જીવ બળી ગયા હતા. હાલમાં આવેલી 12 કરોડની ગ્રાન્ટમાં લોટ, પાણી ને લાકડાંની નીતિ અપનાવી ભ્રષ્ટાચાર આચરાય છે કે કેમ તે જોવાનું રહ્યું તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer