સ્મિથ-સ્ટોક્સ વિના રાજસ્થાનની રાહ કઠિન

શારજાહ, તા.21: બેન સ્ટોકસ અંગત કારણોસર આઇપીએલના પ્રથમ તબક્કામાંથી બહાર છે, જ્યારે ઇજાને લીધે સ્ટીવન સ્મિથનું રમવું શંકાસ્પદ છે. આથી રાજસ્થાન રોયલ્સ માટે મંગળવારે આઇપીએલના તેના પહેલા મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટક્કર લેવી કઠિન બની રહેશે. જોસ બટલર પણ પહેલા મેચની બહાર રહેશે. તે પરિવાર સાથે અલગથી યૂએઇ આવ્યો છે. આથી તે હજુ 36 કલાકના કવોરન્ટાઇનમાં છે. રાજસ્થાન માટે ત્રણ સ્ટાર ખેલાડી વિના મજબૂત ધોનીની ટીમ સામે ચમત્કારિક દેખાવ કરવો પડશે. ચેન્નાઇની ટીમ પહેલા મેચમાં મુંબઇને પાંચ વિકેટે હાર આપવામાં સફળ રહી હતી. બીજી તરફ રાજસ્થાનની ટીમનું પહેલા મેચથી જ સંતુલન બગડેલું છે. ટીમનો દરોમદાર કેટલાક વિદેશી ખેલાડીઓ પર રહેશે. બોલિંગમાં જોફ્રા આર્ચર અને એન્ડ્રુ ટાય પર અને બેટિંગમાં ડેવિડ મીલર પર રાજસ્થાનની ટીમને નિર્ભર રહેવું પડશે. સ્મિથની ગેરહાજરીમાં કદાચ સંજૂ સેમસન અથવા જયદેવ ઉનડકટને સુકાન મળી શકે છે. ઉનડકટની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત તેણે સિઝનમાં 6પ વિકેટ લીધી હતી. ચેન્નાઇ ટીમ પાસે અનુભવી ખેલાડીઓ અને ચાલાક સુકાની ધોની છે. રાયડૂ ફોર્મમાં છે. સેમ કરને ઓલરાઉન્ડ દેખાવ કરીને ડવેન બ્રાવોની ખોટ પડવા દીધી નથી. ફાક ડૂ પ્લેસિસે મુંબઇ સામેના મેચમાં એન્કર રોલ નિભાવીને અણનમ અર્ધસદી ફટકારી હતી. તેની ફિલ્ડીંગ પણ શાનદાર રહી હતી. દીપક ચહરને ફિટનેસની સમસ્યા છે. જો તે આવતીકાલના મેચમાં રમી શકશે નહીં, તો શાર્દુલ ઠાકુરના રૂપમાં સીએસકે પાસે વિકલ્પ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer