મોડવદર પાસે કૂવામાં પડી જવાથી યુવાનના પ્રાણ ગયા

ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાના મોડવદર ગામ નજીક કૂવામાં પડી જતાં ગોપાલસિંહ બાલુસિંહ ઠાકોર (ઉ.વ. 20) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પાસેથી સામખિયાળીના રમેશ શંકર દેવીપૂજક (ઉ.વ. 34) નામના યુવાનની લાશ મળી આવી હતી. મોડવદર ગામમાં રહેનારા ગોપાલસિંહ નામના યુવાનની લાશ ગઈકાલે સાંજે મળી આવી હતી. આ યુવાન ગામની સીલ ઓઈલ નામની કંપની નજીકના કૂવા પાસે ગયો હતો. જ્યાં કોઈ રીતે તે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. ગત તા. 19-9ના બપોરે તે કૂવામાં પડયા બાદ ગઈકાલે સાંજે તેની લાશ મળી આવી હતી. આ યુવાને આપઘાત કર્યો હશે કે અકસ્માતે તેનું મોત થયું છે કે અન્ય કાંઈ છે તે સહિતની વિગત માટે તપાસકર્તા પી.એસ.આઈ. એમ.એમ. જોશીનો સંપર્ક કરતાં તેમણે ફોન ઊંચકયો નહોતો. બીજી બાજુ સામખિયાળીના રમેશ દેવીપૂજકનો મૃતદેહ ભચાઉના કસ્ટમ ચાર રસ્તા મુખ્ય ગેટ પાસેથી મળી આવ્યો હતો. તેણે વધુ પડતો દારૂ પીવાથી તેનું મોત થયું હોવાની તેના ભાઈએ પોલીસને માહિતી આપી હતી. તેમ છતાં પી.એમ. રિપોર્ટ આવે પછી જ સાચી હકીકત બહાર આવે તેમ હોવાનું પી.એસ.આઈ. સી.બી. રાઠોડે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer