પત્ની પાસે વધારાનો મોબાઇલ ફોન મળવાની ઘટના બાદ ઝુરાના યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

ભુજ, તા. 21 : પત્ની પાસેથી વધારાનો મોબાઇલ ફોન મળી આવ્યા બાદ ઉદ્ભવેલા કૌટુંબિક સંજોગો વચ્ચે સાસરિયા પક્ષના સભ્યો આવીને પત્નીને લઇ જતા તાલુકાના ઝુરા ગામે 26 વર્ષની વયના ચંદુલાલ નરશી જોગીએ ગળેફાંસો ખાઇને મોત વહાલું કરી લીધું હતું. તો બીજી બાજુ અબડાસામાં પરજાઉ ગામના વાડીવિસ્તારમાં ઝેરી જંતુનાશક દવા પી લઇને દિલીપ અમીલાલ ચૌધરી (ઉ.વ. 46)એ પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાવરપટ્ટી વિસ્તારના ઝુરા ગામે મોરાવાસમાં રહેતો ચંદુલાલ જોગી આજે સવારે તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતો મળી આવ્યો હતો. આજે સવારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ બનાવ વિશે ગામના મેઘજી જખુ માતંગે જાણ કરતાં ભુજ એ. ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.  પોલીસ સમક્ષ લખાવાયેલી વિગતો અનુસાર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેનારા ચંદુલાલની પત્ની શારદા પાસેથી વધારાનો મોબાઇલ ફોન મળી આવતાં ચંદુલાલે આ વિશે તેના સાસરીયે જાણ કરી હતી. આ પછી સાસરિયા પક્ષના સભ્યો આવીને શારદાને તેમની સાથે લઇ જતાં ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે આ હતભાગી યુવાને આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ફોજદાર આર. કે. પરમારે કેસની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ પરજાઉ ગામના વાડીવિસ્તારમાં દિલીપ ચૌધરી નામના પરપ્રાંતીયના અકળ આપઘાતનો કિસ્સો પોલીસ દફતરે ચડયો છે. આ બાબતે પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ મરનારે ગઇકાલે બપોરે કપાસમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. સારવાર માટે તેને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન આજે બપોરે તેણે દમ તોડયો હતો. આત્મહત્યા પછવાડેનાં કારણો હજુ સ્પષ્ટ થયાં ન હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer