રતનાલમાં ખાનગી બસની હડફેટે આધેડનું થયું મોત

ગાંધીધામ, તા. 21 : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં વૃધ્ધ અને યુવાનની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અંજાર તાલુકાના રતનાલમાં લકઝરી બસ હડફેટે 70 વર્ષીય જખરાભાઈ હીરાભાઈ માતાનું મોત નીપજયું હતું. જયારે ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક ભારે વાહન હડફેટે બાઈકચાલક યુવાન જેમંત પુજારીનું ગંભીર ઈજાઓ થતાં તત્કાળ મોત નીપજયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  રતનાલમાં રેલવે ફાટક પાસે અકસ્માતનો આ બનાવ ગત  બપોરના 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.  જી.જે. 03.બી.ડબલ્યુ. 0777 નંબરની ફાલકોન લખેલી લકઝરી બસના ચાલકે બાઈકને હડફેટે લીધી હતી.  બાઈકમાં સવાર હતભાગી વૃધ્ધને પગ અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમણે દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જી ચાલક બસ મૂકીને ફરાર થઈ  ગયો હતો. અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  માર્ગ અકસ્માતનો આ બનાવ રાજક્રિપાલ કંપની પાસે ગત તા. 20ના સવારના 8 વાગ્યાના અરસામાં બન્યો હતો.  ફરિયાદી ખુશીરામ છત્રિયા અને હતભાગી યુવાન મીઠીરોહર પાસે ગાંધીધામ તરફ આવતા હતાં. આ દરમ્યાન આર.જે.23.ઈ.એ 0326 નંબરના હાઈડ્રો ક્રેનના ચાલકે બાઈકને હડફેટે લીધી હતી.  પાછળ સવાર ફરિયાદી રોડમાં ફંગોળાયો હતો. જયારે ચાલકનું માથું ક્રેન નીચે ચગદાઈ ગયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer