કચ્છમાં 27 કેસ સાથે કોરોનાની આગેકૂચ

ભુજ, તા. 21 : રાજ્યની સાથે કચ્છમાં પણ પોઝિટિવ કેસમાં સામાન્ય ઉતાર-ચઢાવ સાથે કોરોનાએ પોતાની આગેકૂચ જારી રાખી છે. આજે જિલ્લામાં નવા 27 કેસ નોંધાતાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 1842 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગમાંથી સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી આંકડાકીય વિગત અનુસાર જિલ્લામાં ગામડાઓની તુલનાએ વધુ ગીચતાના કારણે શહેરી વિસ્તારમાં સંક્રમણ ઝડપભેર પ્રસરી રહ્યું છે. આંકડામાં પ્રવર્તતી વિસંગતતાની વચ્ચે સત્તાવાર રીતે જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોનો આંક 357 પર પહોંચ્યો છે. રવિવારે વધુ એક મોત સાથે કુલ મૃતાંક 59 થયો છે. કોરોનાને મ્હાત આપી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1358 થઈ છે. નોંધનીય છે કે, અઠવાડિયા પૂર્વે 80 ટકાની નજીક પહોંચી ગયેલો રિકવરી રેટ હાલમાં નવા દર્દી કરતાં રજા અપાયેલા દર્દીઓની સંખ્યા ઓછી રહેતાં રિકવરી રેટ ઘટીને 74 ટકાએ પહોંચી ગયો છે. જિલ્લામાં કાર્યરત 15 કોવિડ હોસ્પિટલમાં હાલની સ્થિતિએ 512 બેડ ખાલી હોવાનું તંત્રે જારી કરેલી સત્તાવાર વિગતોમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer