આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં ગુજરાતને અગ્રેસર બનાવવા યુનિ.ઓ ભૂમિકા ભજવે

ભુજ, તા. 21 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ?મોદીએ કરેલા આત્મનિર્ભર ભારતના આહ્વાનમાં ગુજરાત મહત્ત્વની ભૂમિકા ભજવે તે માટે રાજ્યની યુનિવર્સિટીઓને ઇનોવેશન વર્કને મહત્ત્વ આપીને વધુમાં વધુ ઇનોવેશન ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટસ (આઇપીઆર) અને પેટન્ટ ફાઇલ તૈયાર કરવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાકલ કરી હતી. તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓના ટ્રસ્ટી અને પ્રોવોસ્ટના વેબિનારમાં સંબોધન કરતાં શ્રી ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આપણા સહિયારા પ્રયાસોનાં કારણે આપણે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં દેશમાં પ્રથમ સ્થાને આવેલા છીએ ત્યારે આ સ્થાન આગામી સમયમાં પણ ટકાવી રાખી વિશ્વના રેન્કિંગમાં સ્થાન મેળવવા આપણે સંકલ્પ કરવાનો છે. આ વેબિનારમાં ગણપત યુનિવર્સિટીના ટ્રસ્ટીએ અમેરિકાથી જોડાઇને ભાગ લીધો હતો અને ખાસ કરીને સ્ટાર્ટઅપમાં સતત બીજા વરસે ગુજરાતે સ્થાન મેળવવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, યુવા ભાઇ-બહેનોને ઇનોવેશન કામમાં પ્લેટફોર્મ મળે તે રીતે યુનિવર્સિટીઓએ આયોજન કરવું પડશે. ઉપરાંત દરેક યુનિવર્સિટી નવીનતમ સ્ટાર્ટઅપ અને આઇ.પી.આર. પર નવા અભ્યાસક્રમો દાખલ કરે. દરેક યુનિવર્સિટી દર વરસે શ્રેષ્ઠ સંશોધનકારો, ઇનોવેશન અને વિદ્યાર્થીઓને તેમના વિચારોને સ્ટાર્ટઅપમાં બદલવા માટે મેડલ અને પ્રશંસા પુરસ્કારો આપે. તેમણે જણાવ્યું હતું કે, રોજગાર આપવાની સૌથી વધારે ક્ષમતા ઇનોવેશન અને સ્ટાર્ટઅપમાં જ છે. આપણું સૂત્ર?છે કે આપણો યુવાન રોજગાર આપનાર બને, નહીં કે રોજગાર માગનાર. આગામી દિવસોમાં શિક્ષણ, ઉદ્યોગ, વિજ્ઞાપન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સંયુક્ત વેબિનારનું આયોજન કરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer