પગના પંજાની છાપ ઉપરથી રોગ નિદાન

બિદડા (તા. માંડવી), તા. 21 : ચોરનું પગેરું મેળવવા પોલીસ પગીની મદદ લેતી. અભ્યાસુ પગી પાણીમાંથી પગની છાપ શોધી કાઢતા. આ તો થઇ જૂના સમયની વાત, પણ જો હાલના વર્તમાન સમયની વાત કરીએ તો પગની છાપ ઉપરથી રોગનું નિદાન કરી રોગના મૂળ સુધી પહોંચવાનું કામ આરોગ્ય ક્ષેત્રે કચ્છની જાણીતી સંસ્થા  બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન સેન્ટર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા થઇ રહ્યું છે. જેને વોટર ફૂટ પ્રિન્ટ ટેકનિક નામ આપવામાં આવ્યું છે. આ ટેકનિક વિકસાવનાર છે જયા રિહેબ સેન્ટરના ડાયરેક્ટર મુકેશ દોશી. એમને સહયોગ મળ્યો છે સંસ્થાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વીરેન્દ્ર શાંડિલ્ય, એડમિન લોગનાથન તથા થેરાપિસ્ટ અશોક ત્રિવેદી તથા સ્ટાફના સભ્યોનો.  આ વોટર ફૂટ ટેકનિક વિશે વિગતે વાત કરતાં  મુકેશ દોશીએ જણાવ્યું કે, છેલ્લા બાર વર્ષથી દર ફેબ્રુઆરી મહિનામાં બિદડા હોસ્પિટલમાં બાળ આરોગ્ય શિબિર યોજાય છે. જેમાં મુંદરા તથા માંડવી તાલુકાની પ્રાથમિક તથા માધ્યમિક શાળાના ચાલીસ હજાર વિદ્યાર્થીઓની દેશ-વિદેશના નિષ્ણાત ડોક્ટર દ્વારા શારીરિક અને દાંતની તપાસ કરવામાં આવે છે. જેમાં તમામ રોગને આવરી લેવામાં આવે છે. જેમાં સ્થાનિકે બિદડા હોસ્પિટલે સારવાર આપવામાં આવે છે અને જે સારવાર સ્થાનિકે ઉપલબ્ધ ના હોય તો કચ્છ બહાર અમદાવાદ, આણંદ, નડિયાદ, મુંબઈ ખાતે જરૂર મુજબ ટ્રસ્ટ દ્વારા સારવાર કરાવી આપવામાં આવે છે. આ બાળરોગ શિબિર દરમ્યાન દિવ્યાંગ બાળકો તરફ ધ્યાન ગયું. જે દેખાવમાં તંદુરસ્ત લાગે પણ આવા બાળકોને ઊભવામાં તકલીફ જણાય. તેઓ સીધા ટટ્ટાર ઊભી શકતા ના હતા. જેને લીધે તેમનો કમરનો ઉપરનો ભાગ, સંપૂર્ણ વાંસાનો ભાગ, કરોડરજ્જુ  સહિત વાંકોચૂકો જોવા મળ્યો. જેના કારણે બાળકોને અભ્યાસ, રમતગમત, સાઇકલિંગ જેવા રોજબરોજના કાર્યમાં સામાન્ય બાળક કરતાં વધારે શ્રમ પડતો. ત્યારે આવા બાળકોનો શું ઈલાજ કરવો જેથી તેમને આ તકલીફમાંથી રાહત મળે. આ દિશામાં ખૂબ જ મનોમંથન કર્યા બાદ એવા તારણ પર આવ્યા કે માનવીના શરીરનું સંપૂર્ણ વજન પગ ઉપાડે છે  અને આ ભાર પગના પંજા ઉપર પડે છે. જેને લીધે શરીરના વજનને વહન ન કરી શકવાને કારણે પગના પંજા નબળા પડે અથવા આડા અવળા થઇ જાય. જેને લીધે શરીરના પગ ઉપરનો ખાસ કરીને કમરથી ઉપર વાંસાના તથા કરોડરજ્જુ ઉપર આની ખૂબ જ માઠી અસર થાય છે.આવા દિવ્યાંગ બાળકોના ઈલાજ માટે નવી ટેકનિક શોધી. જેને નામ આપવામાં આવ્યું `વોટર ફૂટ ટેકનિક'. જેને ગુજરાતી ભાષામાં કહીએ તો પગના પંજાની છાપ. આ ટેકનિક વિશે માહિતી આપતાં શ્રી દોશી જણાવે છે કે, જયા રિહેબ સેન્ટરની ટીમે ખૂબ જ સરળ પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિમાં બાળકને પાણી ભરેલા ટબમાં ઊભા રાખી બાદમાં એક પછી એક બીજો પગ જમીન ઉપર મૂકવામાં આવે છે. જેના લીધે બાળકના પગના પંજાની છાપ જમીન ઉપર અંકિત થઇ જાય છે. ત્યારબાદ જમીન પર અંકિત થયેલી છાપનો ફોટો લઇ કોમ્પ્યુટરમાં સેવ કરી ક્રીન ઉપર ફોટાને એન્લાર્જ કરી છાપનો અભ્યાસ કરવામાં આવે છે.વાંકા વળેલા બાળકો માટે એક બ્રેસ (જેકેટ) બનાવ્યું. આ જેકેટ રાત્રિ દરમ્યાન પહેરી રાખવું. આ પ્રયોગ શરૂઆતમાં અમે થોડા બાળકો ઉપર કર્યો. જેનું પરિણામ પણ સારું મળવા લાગ્યું. ધીમે ધીમે આવા બાળકોના વાંસાનો ભાગ સીધો થવા મંડ્યો.વિજય છેડાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, પ્રોસ્થેટિક અને ઓર્થોટિકના નિષ્ણાત મુકેશ દોશી તથા વીરેન્દ્ર શાંડિલ્ય છેલ્લા 19 વર્ષથી બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. નિતનવા પ્રયોગ શોધી દિવ્યાંગોને વિશ્વકક્ષાની ઉત્તમ સારવાર આપે છે.છેલ્લા બાર વર્ષથી યોજાતી પાનબાઈ ધારશી હધુ છેડા (કુંદરોડી) બાળરોગ શિબિરનું સંચાલન ડો. ગિરીશ શાહ (ન્યૂયોર્ક), મેડિકલ તપાસ ડો. ધીરજ બૈઆ અને સંકલન દેવચંદ ફુરિયા (બોસ્ટન) કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer