પશુઓની બીમારી નાથવા ટીમોને ઉતારાઇ

ભુજ, તા. 21 : કચ્છ જિલ્લામાં ખૂબ સારા વરસાદને પગલે પશુધન માટે ઘાસચારા અને પાણીની સમસ્યા સંપૂર્ણ હલ થઇ ગઇ છે ત્યારે વધુ વરસાદની સાથે સાથે આવતી કેટલીક બીમારીઓ પણ ચરિયાણ માટે વગડામાં જતાં પશુઓમાં કયાંક ને કયાંક જોવા મળી રહી છે. ખાસ કરીને ઝીણા માલ તરીકે ઓળખાતાં ઘેટાં બકરાંમાં પગ પાકવાની (ફૂટ રોટ) બીમારી તેમજ ગાય/ભેંસ વર્ગમાં લાલ પેશાબની બીમારી કેટલાક વિસ્તારમાં જોવા મળેલી છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પશુપાલન  નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રીની આગેવાનીમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે ટીમો બનાવી તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સારવાર, રસીકરણ તેમજ કૃમિનાશક તેમજ ઇતરડી નાશક દવાને લગતી કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ માટે પશુ દવાખાના-ભુજ (ફોન 02832-220603)ને કન્ટ્રોલરૂમ નંબર તરીકે સવારથી સાંજે 8.00 સુધી કાર્યરત છે ખાસ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરાયેલી કામગીરી અંતર્ગત આજ સુધી કુલ 56,309 જેટલાં નાનાં મોટાં પશુઓને વિવિધ સારવાર અપાઇ છે તેમજ 72,139 જેટલાં પશુઓને કૃમિનાશક દવા પીવડાવેલી છે. તેમજ 19,652 જેટલાં પશુઓનું રસીકરણ કરાયું છે. જેને કારણે બીમારી કાબૂ હેઠળ આવેલી છે. હાલ દૈનિક ધોરણે અલગ-અલગ વિસ્તારોમાં કાર્યરત ટીમો મારફતે સારવાર, તેજમ અન્ય સંલગ્ન કામગીરી તેમજ ફોલોઅપ વગેરે ચાલુ રાખવામાં આવે છે. ઝીણા માલમાં દેખાતી ફૂટરોટની બીમારી પશુઓ ભીની જમીનમાં સતત ચરતાં હોવાના કારણે ખરીઓ તેમજ બે ખરીની વચ્ચેની ચામડી પોચી પડી જતાં તેમાં લાગતા જીવાણુજન્ય ચેપને કારણે થાય છે. પોચી પડેલી ખરીમાં કાંટા તેમજ કાંકરા પણ સરળતાથી ખૂંચી જતા હોય છે. જેથી પગમાં થતા દુ:ખાવાને કારણે પશુ લંગડાય છે અને ચરવાનું ઓછું કરી દે છે. આવું થાય ત્યારે તરત અસરગ્રસ્ત પશુના પગની ખરી તપાસી, કાંટો, કાંકરી કે અન્ય કચરો જણાયેથી તેને દૂર કરી જંતુનાશક દવાથી ખરીની સફાઇ કરવી જરૂરી બને છે. તે ઉપરાંત જરૂરિયાત મુજબ એન્ટિબાયોટિકસ તેમજ પીડાનાશક દવાઓનો પણ ઉપયોગ કરવાથી પશુ ફરીથી સ્વસ્થ થાય છે. કચ્છમાં વિસ્તરેલો ગાંડો બાવળ પણ પગમાં વાગતા કાંટા અને તેને કારણે થતી આ તકલીફ માટે ઘણે અંશે જવાબદાર છે. મોટા પશુઓમાં?ખાસ કરીને ભેંસ વર્ગના પ્રાણીઓમાં જોવા મળેલી લાલ પેશાબની બીમારી એ બબેસીઆ તરીકે ઓળખાતા રકત પ્રજીવોને લીધે થાય છે. છુટાછવાયા કેસોમાં થતી આ બીમારીમાં શરૂઆતના તબક્કામાં જ પોતાની રીતે કોઇ દવા ન કરતાં નિષ્ણાત પશુ ચિકિત્સક મારફતે સારવાર કરાવવામાં આવે તો પશુ ઝડપથી સ્વસ્થ થઇ જાય છે. હાલે જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા જિલ્લામાં કુલ 25 ટીમ તેમજ બીજી પેટા ટીમો બનાવી સારવાર ઝુંબેશ ચાલુ રાખવામાં આવેલી છે. વધુમાં બીમારીનાં નિદાન તેમજ સચોટ સારવાર માટે સરદાર કૃષિનગર દાંતીવાડાની વેટરનરી કોલેજ સાથે સંકલન સાધી તજજ્ઞ વૈજ્ઞાનિકોની ટીમને પણ બોલાવવામાં આવેલી છે. સતત સારવાર, દેખરેખ અને ફોલોઅપને કારણે સારવાર હેઠળના કેસોમાં સંપૂર્ણ સુધારા સહિત નવા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તેવું એક યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer