કપાસ વીણવાનો પ્રારંભ કરતા મોરગરના કિસાનો

આણંદપર (યક્ષ), તા. 21 : ખેડૂતો દ્વારા  કપાસનું વાવેતર થયા બાદ આ પાક 10 મહિના સુધી ચાલે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસના ઝાડનો વિકાસ ઘણો ઓછો છે. વાવેતર પછી પાણી આપવું પડે છે. તેમજ વાવેતર પહેલાં પાયાનું ખાતર આપવામાં આવે છે. ઉગ્યા બાદ બે મહિના પછી દર દસ દિવસે દવાનો છંટકાવ કરવો પડે છે, જેમાં એક એકરે સાતસો રૂપિયાની દવાનો છંટકાવ કરવો પડે છે. હાલ સતત વરસાદના કારણે જ પ્રથમ ફાલ સારા પ્રમાણમાં આવતો હોય છે. પણ આ વર્ષે શરૂઆતનો ફાલ ફેલ જતાં ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે. મોરગર (યક્ષ)ના ખેડૂત દયારામભાઇ પોકાર જણાવે છે કે, આ વર્ષે કોરોના અને કપાસનો પાક ફેલ જતા બીજા રાજ્યમાંથી કપાસ વીણવા આવતા મજૂરો પણ નહીં આવે. ગત વર્ષ કરતા આ વર્ષે એક માસ અગાઉ કપાસની વીણવાનું શરૂ કર્યું છે. આ વર્ષે કપાસના ઝાડ નાના છે તેમાં થોડો ફાલ દેખાય છે. જ્યારે મોટા ઝાડ પર ફાલનું ઠેકાણું નથી. આ વર્ષે આ કપાસના પાકમાં કરેલો ખર્ચ પૂરા કરશે કે કેમ એ વિચારવા જેવું છે. હાલ માલ બજારમાં આવ્યો નથી એટલે મણના (ચાલીસ કિલો)ના ભાવ આશરે  પચીસસો છે જ્યારે કપાસ બજારમાં આવે છે ત્યારે ભાવ બે હજારનો થઇ જાય છે.  ભાદરવા વદ શ્રાદ્ધના દિવસે કપાસની વીણીની શરૂઆત થઇ છે. આમ આસો મહિનાના પ્રથમ નોરતે થાય છે. પણ આ વર્ષે એક મહિના પહેલા થઇ છે. હાલ કપાસના પાકનો ફાલ જોઇએ એવો નથી, થોડો ઘણો ફાલ નીકળ્યો છે, તેમાં ઉંદરો બગાડ કરે છે એટલે નાછૂટકે વીણવો પડે છે. કપાસના પાકમાં વળતર મળે કે ના મળે અમને નિયમ પ્રમાણે કરવું પડે છે. ખેતી અમારા બાપ-દાદાનો ધંધો છે એટલે કરવી પડે છે. આ ખેતી એવો ધંધો છે ક્યારેક મળે તો ક્યારેક તોડવા પડે છે તેવું મોરગરના સક્રિય ખેડૂત દયારામભાઇ પોકારે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer