માંડવીના પ્રા. શિક્ષકોની સિનિયોરિટી અવગણીને સર્વિસ બુક ગાંધીનગર મોકલાઇ હોવાનો આક્ષેપ

ભુજ, તા. 21 : માંડવી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સિનિયોરિટીને ધ્યાને લીધા વિના હાયર ગ્રેડ અને રિવાઇઝ માટે સર્વિસ બૂક ગાંધીનગર મોકલાઇ?હોવાનો આક્ષેપ કરી આ અંગે સ્પષ્ટતા કરવા માંડવી યુનિટના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ માંગ  કરી છે. મહાસંઘ દ્વારા જણાવાયા મુજબ સેવાપોથી અંગેની યાદી ટીપીઇઓ પાસે માગતાં ગાંધીનગર મોકલાવાયેલી યાદીમાંથી 2008, 2007 તથા 2004ના અમુક શિક્ષકોની સેવાપોથી ગાંધીનગર મોકલાઇ?હોવાનું માલુમ પડયું છે. જ્યારે સિનિયોરિટી પ્રમાણે 1998, 1999, 2000, 2001, 2004, 2007, 2008 મુજબ યાદી બને છે. 165 સિનિયોરિટીની યાદી મુજબ 2008ના શિક્ષકોની યાદીની શરૂઆત 134મા ક્રમે, 2007ની 67મા ક્રમે, 2004ની યાદી 19મા ક્રમે થાય છે. જેથી પ્રામાણિક અને નિષ્ઠાથી કામ કરતા સિનિયર શિક્ષકોને અવગણીને એકલ-દોકલ વ્યક્તિને સાચવવા સિનિયોરિટીને અવગણીને 134મા નંબરની સર્વિસ બૂકો મોકલવામાં આવી છે, તો 133 શિક્ષકનો શો ગુનો એવો સવાલ મહાસંઘે કર્યો છે.આ અંગે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોહનભાઇ ફફલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, જે પણ સર્વિસબૂક મૂકવામાં આવે છે તે નિયમ મુજબ મોકલાય છે, તેમ સ્ટાફની ઘટ છે અને શિક્ષકોની સંખ્યા ઘણી છે, તે વચ્ચે અમુક સર્વિસ બૂકો અધુરાશના કારણે પાછી પણ આવતી હોય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer