કચ્છમાં એસ.ટી. તંત્ર દ્વારા લોકલ રૂટ શરૂ કરાતાં મુસાફરોને રાહત

કચ્છમાં એસ.ટી. તંત્ર દ્વારા લોકલ રૂટ શરૂ કરાતાં મુસાફરોને રાહત
ભુજ, તા. 20 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કચ્છ જિલ્લામાં 100 જેટલી નવી થર્મલ ગન ફાળવાયા બાદ એસટીના તમામ લોકલ રૂટ શરૂ કરી દેવાતાં મુસાફરોને ખાનગી વાહનોના મોંઘાં ભાડાંમાંથી રાહત થઈ છે. કોરોના મહામારીના કારણે ગત માર્ચ માસથી બંધ પડેલી કચ્છ જિલ્લાની એસટી બસો માંડ માંડ શરૂ થઈ છે, ત્યાં આ બસોને ટાયરોની અછતનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે અને જૂના ટાયરના કારણે પંકચરોનું  પ્રમાણ વધી જતાં પ્રવાસીઓ ગંતવ્ય સ્થાને પહોંચવામાં મોડા પડે છે, તો ક્યાંક ટ્રેન પણ ચૂકી જતા હોવાનું જાણવા મળી રહ્યું છે. એસટી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કોરોના મહામારીના કારણે જિલ્લામાં બંધ થયેલી એસટી બસ સેવા ફરી પાટે ચડી રહી છે. દરેક બસમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર, થર્મલ ગનથી ચેકિંગ બાદ મુસાફરોને બેસાડવાના હોવાથી અગાઉ તંત્ર દ્વારા તમામ લોકલ રૂટ શરૂ કરવાની સૂચના અપાઈ હતી, પરંતુ જિલ્લામાં અપૂરતી થર્મલ ગનના કારણે અનેક રૂટ બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં તંત્ર દ્વારા 100 જેટલી નવી થર્મલ ગન ફાળવાતાં કચ્છના અંદાજે દરરોજના 781 જેટલા લોકલ રૂટ પર બસો શરૂ કરી દેવામાં આવી છે, જો કે, હજુ શાળાઓ ખૂલી ન હોવાથી વિદ્યાર્થીઓ રૂટ બંધ રાખવામાં આવ્યા છે. એસટી સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં અનલોક 4 પછી એસટી તંત્ર માંડ થાળે પડી રહ્યું છે, પરંતુ ઉપલી કક્ષાએથી નવા ટાયર ન આવતાં જૂના ટાયર થકી જેમ તેમ ગાડું  ગબડાવાય છે, જેના કારણે મોટા ભાગની બસોની ટ્રીપમાં ટાયર બેસી જતાં હોવાનો આક્ષેપ ભોગ બનતા મુસાફરોએ કર્યો હતો. એક તો જૂના ટાયર અને તેમાંયે રસ્તા બુરવા જેમ તેમ નાખવામાં આવતી મેટલ થકી વારંવાર પંકચર પડી રહ્યા છે, તેમ દરેક બસોમાં લિમિટેડ પ્રવાસીઓ લેવાના હોવાથી પસાર થતી અન્ય રૂટની બસમાં અટવાયેલા ઉતારુઓ બેસાડી શકાય તેમ ન હોવાથી તે પૈકી અમુક ટ્રેનો પણ ચૂકી જતા હોવાનું જાણવા મળી રહ્યુ છે. અમુક પેસેન્જર કચ્છમિત્રને જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા બસો એકદમ નવી ફાળવાઈ છે પરંતુ ટાયર જૂના હોવાથી તેનો ભોગ અમોને બનવું પડે છે. દરમ્યાન આ ટાયર મશીનથી જ ફીટ કરતા હોવાથી રસ્તામાં ખાનગી પંકચરવાળા પાસે પંકચર કઢાવવાની મનાઈ હોવાથી ફરજિયાત બસોને નજીકના ડેપોમાં લઈ જવી પડે છે, ખરેખર તો આંતર રૂટમાં નવા ટાયર નાખવામાં આવે તો મુશ્કેલી નિવારી શકાય તેવો મત જાણકારોએ વ્યક્ત કર્યો હતો. આ અંગે વિભાગીય નિયામક સી.ડી. મહાજનનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટાયરની અછત છે પરંતુ થોડા સમયમાં નવા આવી જશે અને તેના કારણે બસો મોડી થતી હોવાની વાત ખોટી છે. ઉપરાંત કોઈપણ વાહનમાં પંચર પડે તો તરત જ નજીકના ડેપોમાંથી બસ મોકલી અપાતી હોવાનું કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer