અંજાર ન.પા.ની સામાન્ય સભામાં શિક્ષણ સમિતિનું કથિત કૌભાંડ ગાજ્યું

અંજાર ન.પા.ની સામાન્ય સભામાં શિક્ષણ સમિતિનું કથિત કૌભાંડ ગાજ્યું
અંજાર, તા. 20 :અંજાર નગરપાલિકાની સામાન્ય સમાભાં બે કરોડના ખર્ચે ફાયર ફાઇટર, વેક્યુમ વગેરેની ખરીદી,  60 લાખના ખર્ચે માર્ગોના રિપેરિંગ, રિસર્ફેસિંગ સહિતના કામોને બહાલ કરવા ઉપરાંત, ન.પા. કર્મચારીઓને તબીબી ભથ્થામાં રૂા. 100ના વધારા અને એલ.ટી.સી.ના લાભ આપવા સહિતના ઠરાવો કરાયા હતા. વિપક્ષોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લાખો રૂપિયાના કૌભાંડના આક્ષેપો સાથે બેઠક ગજવી હતી તો નગરપતિના જન્મદિવસની ઉજવણીનો ખર્ચ આકસ્મિક ખર્ચની કલમમાં નાખતાં ગેરરીતિની ગંધ વ્યક્ત કરી હતી. અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશ ઠક્કરના અધ્યક્ષસ્થાને બેઠક મુખ્ય સભાખંડ ખાતે  મળી હતી, જેમાં ટાઉનહોલમાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમના રિપેરિંગ માટે રૂા. 4.62 લાખ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2020-21ની ત્રીજા તબક્કાની ગ્રાન્ટમાંથી અંદાજિત બે કરોડના ખર્ચે ફાયર ફાઇટર, વેક્યુમ વગેરેની ખરીદી તથા એક કરોડના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ બનાવવા, કન્ટેઇનમેન્ટ ઝોન કરવા, સાઉન્ડ, બેનર, માસ્ક વગેરે માટે રૂા. 3.71 લાખના ખર્ચ, વિજયનગરમાં આવેલા સમ્પ માટે બુસ્ટર નંગ-2 ખરીદવા રૂા. 3.43 લાખ, નગરપાલિકા હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં  જુદી જુદી જરૂરિયાત મુજબના કામો માટે શિક્ષણ ઉપકરની ગ્રાન્ટમાંથી રૂા. 93.10 લાખ,  જાહેર આરોગ્ય ખાતા તથા પાણી પુરવઠા ખાતાના વિવિધ કામો માટે પંદરમા નાણા પંચની રકમમાંથી રૂા. 1.32 કરોડ. રસ્તાના રિપેરિંગ-રિસર્ફેસીંગના કામો માટે રૂા. 60 લાખ સહિતના વિવિધ કામોને  બહાલ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેરકાયદેસર પાણીના કનેકશનોને રેગ્યુલરાઇઝ કરવાની યોજનાના અમલીકરણ, ન.પા.ના કર્મચારીઓને  એલ.ટી. સી.નો  લાભ આપવા સહિતના વિવિધ મહત્ત્વના ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. ઠરાવોનું વાંચન શાસક પક્ષના નેતા ડેનીભાઇ આર. શાહે કર્યું હતું. નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઇ, ડેનીભાઈ શાહ દીપક આહીર,  વિરોધ પક્ષના નેતા અકબરશાહ શેખ, જિતેન્દ્ર ચોટારાએ ચર્ચામાં ભાગ લીધો હતો.સામાન્ય સભાની  વ્યવસ્થા ચીફ ઓફિસર સંજયભાઇ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કચેરી અધીક્ષક ખીમજીભાઇ પી. સિંધવ, કમિટી કલાર્ક દીપકભાઇ એચ. વરૂ વગેરેએ સંભાળી હતી.સવાસર તળાવને વધાવવાની ઉજવણીમાં વિપક્ષ તેમજ શહેરના સ્વામિનારાયણ મંદિરના  સંતોને આમંત્રિત ન કરાતાં નગરસેવક જિતેન્દ્ર ચોટારાએ દુ:ખની લાગણી વ્યકત કરી હતી. તેમજ નગરપાલિકાના  પ્રમુખના જન્મદિન નિમિત્તે શહેરના સ્ટેડિયમમાં વૃક્ષારોપણના ખર્ચનો સમાવેશ  કલમ 45-ડી હેઠળ એટલે કે,  આકસ્મિક ખર્ચ હેઠળ કરવાનો પણ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષે  ચીફ ઓફિસરને  પૂછતાં  તેમણે એવો જવાબ આપ્યો હતો કે,  ઉજવણીનો કાર્યક્રમ અચાનક જ નક્કી થતાં આ ખર્ચનો  સમાવેશ આકસ્મિક ખર્ચની કલમ 45-ડી હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જેનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કર્યો હતો, તેમજ ન.પા. હસ્તકના શોપિંગ કોમ્પ્લેક્ષ, દુકાનો, શાકમાર્કેટના સ્ટોલોના ભાડાંની સમયસર ભરપાઇ ન કરનાર મિલકતો પર માસિક 1.5 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાના ઠરાવ સામે  પણ જિતેન્દ્ર ચોટારાએ અસહમતી દર્શાવી હતી અને નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઓડિટમાં  આપેલ લાખોની ગેરરીતિના આક્ષેપ સાથે  દલીલો કરી હતી અને જણાવ્યું કે,  સત્તા પક્ષ માત્ર પોતાના માનીતાઓને સાચવવા જ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહ્યો છે. રખડતા ઢોરોનો મુદ્દો પણ ઊઠયો હતો. ઢોરોની સમસ્યાના લીધે શહેરમાં પાંચ કરતા વધુ મોત નિપજ્યા છે, જેથી આ કામગીરી ત્વરિત પણે કરાય એવું જણાવાયું છે.  પ્રત્યુત્તરમાં શાસક પક્ષના નેતા ડેનીભાઇ શાહે યોગ્ય કામગીરી સમય રહેતા કરવામાં આવશે અને  રખડતા ઢોરોની સમસ્યાથી શહેરીજનોને વહેલાસર મુકિત મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેલ, ડેનીભાઇ શાહ, કારોબારી સમિતિના ચેરમેન  કેશવજી સોરઠિયા, પૂર્વ પ્રમુખો સામજીભાઇ સિંધવ, કલ્પનાબેન એ. શાહ, પુષ્પાબેન જે. ટાંક, સુરેશભાઇ ઓઝા, બહાદુરસિંહ જાડેજા, સુરેશભાઇ ટાંક, વિનોદભાઇ ચોટારા, રિતેશગર  (રિન્કુભાઇ) ગુંસાઇ, કુંદનબેન જેઠવા, જયશ્રીબેન ઠક્કર, હેમલતાબેન પોમલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer