માંગો ન સ્વીકારાય તો આશ્ચર્યજનક દેખાવોની કચ્છના સમારંભો સાથે સંકળાયેલા ઉદ્યોગોની ચીમકી

માંગો ન સ્વીકારાય તો આશ્ચર્યજનક દેખાવોની કચ્છના સમારંભો સાથે સંકળાયેલા ઉદ્યોગોની ચીમકી
ભુજ, તા. 20 : કચ્છમાં કોરોનાને નાથવા માટે લદાયેલા લોકડાઉન સહિતના પગલાંને લીધે મંડપ અને લાઈટ ડેકોરેશનથી માંડીને ગ્રીટિંગ્સ કાર્ડ સહિતના અનેક ધંધા-રોજગારને સમાવી લેતો વેડિંગ અને ઈવેન્ટ ઉદ્યોગ રીતસરનો બેહાલ છે ત્યારે કચ્છમાં આ ઉદ્યોગને લગતા છ જેટલા સંગઠનોએ સરકારી ઉપેક્ષાને લઈને સખત નારાજી દર્શાવી છે અને તેનું અસ્તિત્વ ટકાવવા માટેનાં પગલાં ન લેવાય તો કોઈપણ પ્રકારના રાજકીય કે સરકારી કાર્યક્રમમાં સેવા નહીં આપવા અને માલ પૂરો નહીં પાડવાની ચીમકી ઉચ્ચારી છે એટલું જ નહીં, રાજકીય અને સરકારી કાર્યક્રમોમાં સરકાર દ્વારા નિર્ધારિત સંખ્યાથી વધુ લોકો એકત્ર થયા હશે તો બાળકો સહિત પરિવારના સભ્યો સાથે પ્રતીકાત્મક બેનરો સાથે વિરોધ પ્રદર્શનની પણ ચીમકી આપી છે. કચ્છ વેડિંગ એન્ડ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી વતી પશ્ચિમ કચ્છ મંડપ એન્ડ હાયર્સ ઈલેક્ટ્રીક એસો., પશ્ચિમ કચ્છ કેટરિંગ એસો., ભુજ ફોટોગ્રાફર એસો., પશ્ચિમ કચ્છ સાઉન્ડ સપ્લાયર્સ એસો. અને પશ્ચિમ કચ્છ ઓરકેસ્ટ્રા એસો.એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં માંગ કરી છે કે લગ્ન સહિતના સમારંભમાં અને ધાર્મિક કાર્યક્રમમાં 50 અને 100 જણની હાજરીની મર્યાદા વધારીને 500 કરવામાં આવે. લોન, સબસિડી જેવા સરકારી લાભો આવા મુશ્કેલ સમયે પણ વેડિંગ અને ઈવેન્ટ ઉદ્યોગને મળતા નથી ત્યારે આવી સહાય ત્વરિત મળતી થાય, લગ્નના આયોજન માટે એક નહીં પણ ત્રણથી ચાર દિવસની મંજૂરી અપાય, સગાઈ, સીમંત, નામકરણ વગેરે સામાજિક પ્રસંગ યોજવાની પણ મંજૂરી અપાય. દેશમાં 10 લાખ કરોડનું મૂડી ઉત્પાદન ધરાવતો આ ઉદ્યોગ અત્યારે બેહાલ છે. કચ્છમાં પણ પાંચેક હજાર પરિવારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને લોકડાઉન બાદથી આર્થિક કટોકટીમાં મુકાયેલા છે. સરકારે તબક્કાવાર અનેક ઉદ્યોગો ખોલ્યા છે તો વેડિંગ એન્ડ ઈવેન્ટ ઉદ્યોગની ઉપેક્ષા શા માટે ?  લગ્નમાં 50 જણની મર્યાદા રાખી છે તો રાજકીય સમારોહમાં ઊમટતી મેદની સરકારને ધ્યાને આવતી નથી ? રવિવારે મોલ, રેસ્ટોરેન્ટ, બગીચામાં થતી ભીડ તંત્રને દેખાતી નથી ? આ ઉદ્યોગમાં 30 ટકા મહિલા વ્યાપાર સાહસિક અને કામદાર છે અને લોકડાઉન સહિતના પગલાંને લીધે કચ્છમાં પણ આ ઉદ્યોગને અંદાજે પાંચેક કરોડનો ફટકો પડયો છે. આર્થિક સંકડામણને લીધે અનેક જણે આત્મહત્યા કર્યાના ગંભીર દાખલા પણ સામે છે ત્યારે સરકાર અમારા પ્રત્યે દુર્લક્ષ સેવશે તો 10 દિવસમાં આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરશું. કચ્છ વેડિંગ એન્ડ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારોએ આજે કચ્છમા પણ વહીવટતંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું અને પ્રતીક દેખાવ કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે, આ ઉદ્યોગ હેઠળ કેટરિંગ, ફોટોગ્રાફી, ઓરકેસ્ટ્રા, ફ્લોરિસ્ટ, ઈવેન્ટ પ્લાનર, ઝવેરીઓ, કાપડ ઉદ્યોગ, સિક્યોરિટી સર્વિસ, ઘોડાબગી, કાર્ડ વગેરે આવે છે. આ પ્રસંગે રાજેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ શાહ, અલ્પેશભાઈ ગોસ્વામી, અનિલભાઈ વોરા, જયભાઈ ઠક્કર, મિતભાઈ પૂજારા, પપ્પુભાઈ માહેશ્વરી, ચત્રભુજભાઈ ભાટિયા, પ્રકાશ ગાધી, હરીશભાઈ હીરાણી, કપિલભાઈ વૈશ્નવ, શૈલેશભાઈ જાની, એ.વાય. ભટ્ટી, મયૂરભાઈ સોની વગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer