કોરોના કેસ દેખાતાં રાપરમાં બીઓબીની શાખા બંધ કરાઇ

કોરોના કેસ દેખાતાં રાપરમાં બીઓબીની શાખા બંધ કરાઇ
રાપર, તા. 20 : વાગડ વિસ્તારના આ તાલુકામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દરરોજના ચારથી પાંચ લોકોને રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે, ત્યારે તાલુકા મથક પર રાપર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં છેલ્લા ચારેક દિવસથી ચારથી પાંચ લોકોને કોરોના પોઝિટિવ કેસ નીકળતાં બેન્કને બંધ રાખવાની ફરજ પડી છે. ઓછા સ્ટાફ વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે. બેન્કમાં માંડ આઠ નવ કર્મચારીઓનો સ્ટાફ છે જેમાં ચાર લોકોને  કોરોના પોઝિટિવ આવ્યો છે એટલે આ બધા પોઝિટિવ કેસ ધરાવતા કર્મચારીઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે તો અન્ય કર્મચારીઓ પણ સુરક્ષા માટે હોમ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. રાપર તાલુકાના સૌથી વધારે ખાતા ધરાવતી આ બેન્ક બંધ રહેતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. વાગડ વિસ્તારમાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. છતાં શહેરમાં અનેક લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે, તો વેપારીઓ અને ગ્રાહકો કોઇપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરતાં નથી. શહેરમાં માત્ર દશ ટકા સ્થાન પર સેનેટાઇઝેશન રાખવામાં આવ્યા છે. રાપર પોલીસે અગાઉ લોકડાઉન દરમિયાન જે રીતે કડક અમલ કરી લોકોને ભાન કરાવ્યું હતું તે મુજબ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઊઠી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer