બે બળદની જોડી કોઈ ન શકે તોડી.. ખેતી માટે જોડી

બે બળદની જોડી કોઈ ન શકે તોડી.. ખેતી માટે જોડી
પીયૂષ જોશી દ્વારા-  રાયધણજર (તા. અબડાસા), તા. 20 : વીસમી સદીના અંત સુધી કચ્છ માટે ખેતી અને પશુપાલન બે મુખ્ય સ્રોત્ર હતા, પરંતુ 21મી સદીના આગમન સાથે ઔદ્યોગિકીકરણના ફુંકાયેલા પવનના કારણે કચ્છની ખેતી અને તેની સાથે જોડાયેલા સંદર્ભોથી ઘણી રીતે પ્રભાવિત થયું છે. બળદના સ્થાને ટ્રેક્ટર અને થ્રેસર જેવી આધુનિક મશીનરીના આગમનના કારણે જ ગૌવંશનો કોઈ ઉપયોગ નથી રહ્યો. આજે પરંપરાગત ખેતીનો સંકેલો થઈ રહ્યો છે અને રોકડિયા પાકોમાં ખાસ કરીને મગફળી અને તલ તરફ ખેડૂતોનો ઝોક વધી રહ્યો છે. તેમાં મોટાભાગે બળદોની ખાસ જરૂરિયાત રહેતી નથી. અપવાદરૂપે અબડાસા અને લખપત તથા અન્ય  કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરનારા ખેડૂતો દ્વારા હજી પણ બળદો દ્વારા ખેડ કરવામાં આવી રહી છે. ઓછા વરસાદને કારણે બળદ દ્વારા થતી ખેડ અને ટ્રેકટર દ્વારા થતી ખેડ વચ્ચેનો ફરક પણ બહુ ઓછા લોકો જાણે છે. વાસ્તવિકતા એ છે કે ટ્રેક્ટર જમીનમાં ઊંડે સુધી ખેડ કરે છે, જે ચોમાસું ખેતી માટે જરાય અનુકૂળ નથી, જ્યારે બળદ દ્વારા થતી ખેડ  માત્ર છથી સાત ઇંચ સુધી મર્યાદિત રહે છે, જેથી જમીનમાં સેન્દ્રિય તત્ત્વો ઉપલા થરના જળવાઈ રહે છે. કચ્છમાં મોટા ભાગે જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ અનિયમિત છે અથવા સરેરાશ વરસાદથી ઓછું રહે છે તેવા વિસ્તારો ખાસ કરીને અબડાસા અને લખપતના કેટલાક વિસ્તારોમાં હજી પણ પરંપરાગત રીતે ખેતીની પ્રથા જીવંત જોવા મળે છે. બળદની એક જોડી ખેડૂતને લગભગ આખું વર્ષ કામ આવે છે, પરંતુ આજના સમયમાં ટ્રેકટરના આગમનના કારણે ખેડૂતો સમય અને નાણાં બચાવવા માટે બળદો દ્વારા કરવામાં આવતી ખેડને બદલે ટ્રેક્ટરની ખેડને પ્રાધાન્ય આપે છે. જ્યારથી ખેતીમાં ટ્રેકટરનું આગમન થયું છે, ત્યારથી ખેતીમાંથી બળદનો લગભગ એકડો જ નીકળી ગયો છે.ગાય વાછરડાને જન્મ આપે એટલે સ્થાનિકે કચ્છીમાં એને `ગાભલો' કહેવાય. ત્યારબાદ તરુણ વયનો થાય ત્યારે તેને `ગાભો'  કહેવાય છે. યુવાન થાય ત્યારે એને ` વોડો' કહેવામાં આવે છે. અને યુવાનીમાં પ્રવેશ્યા બાદ તેને નાથ નાખીને પલોટવામાં આવે છે. યુવાન બળદને પલોટવાની આ ક્રિયાને `વોડા  આમણા'  હમણા કહેવામાં આવે છે. આ ક્રિયા ધૈર્ય અને ખેડૂતની હિંમતની પરીક્ષા લઈ લે તેવી હોય છે. મુક્ત રીતે ઉછેરેલો યુવાન બળદ શરૂઆતના સમયમાં તો નાથ ખેંચવાની પીડાથી ઉશ્કેરાય  ત્યારે તેને સાંત્વના આપીને કામ કરવા માટે તૈયાર કરવામાં ખેડૂતની ધીરજ અને સૂઝ દાદ માગી લે છે. શીખતા યુવાન બળદ બે-ત્રણ ચોમાસા ખેડે ત્યારબાદ એનું શરીર ભરાય અને બે બળદના પગની ચાલ તાલમાં આવે ત્યારે એને  કચ્છીમાં બળદને ઢગો કહેવાય. મોટા ભાગે હવે ગાયના આ બચ્ચાંની કોઈ જરૂરિયાત ન રહેતી હોવાથી ન તો ખેડૂત રાખવા તૈયાર છે કે ન તો પાંજરાપોળ. જેના કારણે દરેક ગ્રામ્ય કે શહેરી વિસ્તાર કે સીમાડામાં આખલાઓ રખડતા અને ભટકતા જોવા મળે છે અને તેમના ભાવિ સામે પણ મોટો પ્રશ્નાર્થ છે અને તેઓ પોતાનું પેટ ભરવા માટે અને જીવન ટકાવી રાખવા માટે મનુષ્ય સામે નિ:સહાય અવસ્થામાં લાચાર બનીને માત્ર કુદરતના સહારે વિપરીત પરિસ્થિતિમાં જીવન ટકાવી રાખવા માટે ભગવાન ભરોસે જીવી રહ્યા છે.આમ છતાં કેટલાક વિસ્તારોમાં આજના સમયે પણ  બળદો  દ્વારા ખેતીને પ્રાધાન્ય આપીને વડીલોની પરંપરાને નિભાવીને બળદોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કેટલાક ખેડૂતો સતત ઝઝૂમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ દેશનું શાસન ચલાવતો ભાજપ જ્યારે `જનસંઘ' હતો ત્યારે તેનું ચૂંટણી પ્રતીક બે બળદની  જોડી હતું. કહેવાતું કે બે બળદની જોડી કોઈ ન શકે તોડી.. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer