મહિલાઓને આર્થિક સદ્ધર કરવી અનિવાર્ય

મહિલાઓને આર્થિક સદ્ધર કરવી અનિવાર્ય
ભુજ, તા. 20 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 70 શહેરોમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઈ-લોન્ચિંગ કર્યુ હતું.   વડાપ્રધાનને જન્મદિનની શુભકામના પાઠવતાં મુખ્યમંત્રીએ કહયું હતું કે, દેશના અને રાજયના ઈતિહાસમાં પ્રથમવાર મહિલાઓના હુન્નર-ગૃહ ઉદ્યોગોને સહાય આપી આત્મનિર્ભર ભારતમાં ગુજરાતના યોગદાનમાં મહિલા શકિતનો પ્રવાહ જોડવા આરંભ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, નારીને શકિત સ્વરૂપા ગણાવી મહિલાઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની આર્થિક સધ્ધરતામાં માથાદીઠ આવક વધારવામાં મહિલાઓને પણ આર્થિક રીતે સશકત કરવી અનિવાર્ય છે. મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવેએ આ તકે સંવેદનશીલ મુખ્યમંત્રીનો મહિલાઓ વતી ઋણ સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, દેશમાં રાજયમાં ગુજરાતની મહિલાઓને વડાપ્રધાનના જન્મદિને મળેલી ભેટ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે આ તકે વૈશ્વિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઇના જન્મદિને 1 મીનીટ સૌને ઉભા કરી તાળીઓથી સલામી અપાવી કચ્છ પ્રત્યેના તેમના પ્રેમનું ઋણ સ્વીકાર્યુ હતું. જન્મદિને સમગ્ર રાજયની બહેનોના શુભાશિષ જણાવતાં તેમણે કહયું કે, મહિલાઓના જન્મથી લઇ જન્મદાત્રી બનવા સુધીની દરેક યાત્રાની વિવિધ યોજનાઓના અમલથી મહિલા દિનની ચિંતા કરતી સરકારે કોરોના બાદ આજે ફરી એકવાર આત્મનિર્ભર મહિલા યોજનાનો પ્રારંભ કર્યો છે. કોરોના કાળમાં મહિલાઓના આર્થિક સશકિતકરણનું પ્રશંસનીય પગલું છે. ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમની રૂપરેખા  ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાતે આપી હતી. આ તકે મંચસ્થ મહાનુભાવો દ્વારા વિવિધ બેંક દ્વારા જિલ્લાના કુલ 123 ગ્રુપને મંજુરીપત્રોનું વિતરણ કરાયું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ આ તકે આભારવિધિ કરી હતી. મહિલા અને બાળ કલ્યાણ કચેરી શાખા ભુજ અને નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, અગ્રણી કિરીટ વ્યાસ, સહદેવાસિંહ, દેવરાજ ગઢવી, ભરતભાઇ રાણા, હર્ષદભાઇ ઠકકર, અશોકભાઇ હાથી તેમજ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ભુજ પ્રાંત મનીષ ગુરવાણી તેમજ મહિલા બાળ વિકાસ અધિકારી અવનીબેન દવે અને સ્વસહાય જુથ અને મંડળની મહિલાઓ તેમજ વિવિધ બેંકોના મેનેજર અને ચેરમેન આ તકે ઉપસ્થિત રહયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer