ઇટાલિયન ઓપનના ક્વાર્ટરમાં નડાલ હાર્યો: જોકોવિચ સેમિમાં

રોમ, તા.20: રાફેલ નડાલ સાત મહિના બાદ કોઈ ટુર્નામેન્ટ રમવા કોર્ટમાં ઉતર્યો હતો પણ તેની સફર ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત થઈ ગઈ છે. વિશ્વનો નંબર બે ખેલાડી સ્પેનનો નડાલ ઇટાલિયન ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં ડિએગો ઇશ્વીતમૈન સામે 2-6 અને પ-7થી હારી ગયો છે. કલે કોર્ટ પર રમાતી ઇટાલિયન ઓપનમાં નડાલ નવ વખત ચેમ્પિયન થઇ ચૂક્યો છે. ડિએગો સામે તે આ પહેલા ક્યારેય હાર્યો ન હતો. હાર બાદ નડાલે સ્વીકાર્યું કે લોકડાઉનની અસર મારાં શરીર પર થઈ છે.જ્યારે નંબર વન નોવાક જોકોવિચે ઇટાલિયન ઓપનમાં સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ડોમોનિક કોફ્ફકને 6-3, 4-6 અને 6-3થી હાર આપી હતી. મેચ દરમિયાન ફરી એકવાર જોકોવિચે ખરાબ વર્તણૂક કરી હતી. બીજા સેટ દરમિયાન તેણે રેકેટ જમીન પર પછાડયું હતું. જેથી ચેર અમ્પાયરે ચેતવણી આપી હતી. જોકોવિચ અમ્પાયરને ઘૂરતો પણ જોવા મળ્યો હતો. સેમિમાં તેની ટક્કર કેસ્પર રડ સામે થશે. તેણે માટિયો બેરેટિનીને હાર આપી હતી. ગત સપ્તાહે જોકોવિચ યુએસ ઓપનમાં ચોથા રાઉન્ડમાં લાઇન જજને બોલ મારવા માટે ડિસક્વોલિફાઇ થયો હતો. જોકોવિચની આ વર્ષે 29 મેચમાં આ 28મી જીત છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer