રાપરમાં આધેડની નજર ચૂકવી 32 હજારની ચોરી કરી શખ્સ રફુચક્કર

ગાંધીધામ,તા.20:રાપરની એક દુકાનમાં ખરીદી કરવા આવેલ આધેડના ખિસ્સામાંથી રોકડા રૂા. 32 હજારની ચોરી કરી એક શખ્સ નાસી ગયો હતો. બીજી બાજુ   આદિપુરના વોર્ડ -3બીમાં  એક ઘરમાં ચોરીની કોશિશ કરાતાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. રાપરનાં ગેડી ગામમાં  કબીરનગરમાં  રહેતા ખેત મજુર બાબુ લખમણ સુથાર આ બનાવનો ભોગ બન્યા હતા. તેમની દીકરીની પ્રસૂતિ થઈ હોવાથી આ આધેડ રાપર ખાતે કરીયાણાની વસ્તુઓની ખરીદી કરવા આવ્યા હતા. ગઈકાલે સવારે  તે ડેઈલીનિડ્સ મોલમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે એક શખ્સે તેમની નજર  ચૂકવીને ડાબી બાજુના  ખિસ્સામાંથી રોકડા રૂા. 32,000 સેરવી લીધા હતા. આ શખ્સ બહાર  નાસવા જતાં  રાડારાડના પગલે  લોકો  સાથે તેની ઝપાઝપી  થઈ હતી. બાદમાં તે નાસી છૂટયો હતો. આદિપુરના વોર્ડ-3બી પ્લોટ નં. 76માં ચોરીની કોશિશનો  બનાવ બન્યો હતો. આ મકાનમાં  રહેતા  દિપક તુલસીદાસ ખટવાણી અને તેમનો પરિવાર  ગત તા.17/9ના સૂતો હતો ત્યારે જોરથી અવાજ થતાં ફરીયાદી પાછળના ભાગે ગયા હતા. ત્યાં છુપાયેલ એક શખ્સ  ફરીયાદી દિપકભાઈને જોઈને નાસી ગયો હતો.  નાસી જનાર  આ શખ્સ  મકાનમાં લોંખડની કોષ મુકીને પલાયન થયો હતો.દરમ્યાન   ફરીયાદી  પોલીસ મથકે આ  અંગે  ફરીયાદ  કરવા જતાં ત્યાં અગાઉથી પકડાયેલ કૃણાલ ભીલ તેમના   ઘરે ચોરી કરવા આવ્યો  હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer