કોરોના કાળમાં કચ્છની ટ્રેનને આવકારવામાં સાવચેતીનો સૂર

કનૈયાલાલ જોશી તરફથી- મુંબઈ, તા. 20 : કોરોના મહામારીના કારણે લૉકડાઉનના પગલે મુંબઈ-કચ્છ વચ્ચેનો ઠપ્પ થઈ ગયેલો ટ્રેન વ્યવહાર ફરી શરૂ થઈ રહ્યો છે, 22મીએ મંગળવારે ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ શરૂ થશે. લોકો ટ્રેન વ્યવહાર પુન: ચાલુ થાય છે. તેને સાવચેતીના સૂર સાથે આવકારે છે. લોકોને કચ્છમાં કોરોના વકરવાનો ભય છે.કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નીલેશ શ્યામ શાહે જણાવ્યું કે શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેનો સહકાર મળ્યો. તેમણે કલેક્ટર કચેરીનો સંપર્ક કરાવી આપ્યો અને અમારું કાર્ય ખૂબ સરળ થઈ ગયું. ટ્રેનનું બુકિંગ તા. 21/9થી થશે. અૉનલાઇન બુકિંગ થશે અને રીઝર્વેશન કાઉન્ટર પરથી પણ ટિકિટ મળશે. હિન્દમાતા ક્લોથ મરચન્ટ ઍસોસિયેશનના પ્રમુખ દિનેશ ત્રિવેદીએ ટ્રેનો બંધ હોવાથી સામાન્ય લોકો મોંઘા ભાડા ખર્ચીને ટૅક્સી દ્વારા કચ્છ જતા હતા. ઘણાને ગયા પછી પાછા મુંબઈ આવવું હતું પરંતુ ટ્રેન ન હોવાથી ત્યાં અટવાયા હતા. હવે આવા લોકોને મુંબઈ કે કચ્છ જવાનું સરળ થઈ પડશે. મુલુંડ ગુજરાતી સમાજના પ્રમુખ કાંતિલાલ કટારીયાએ કહ્યું કે અમે પ્યાકા (માંડવી) ગામવાસી વરસમાં ત્રણ વખત વતન જઈએ. આ વખતે ટ્રેન બંધ હોવાથી, માતાજીની પહેડી વતનમાં કરી શક્યા નથી. કોરોનાના કારણે નવરાત્રિ પણ નહિ થાય. જે લોકો ટ્રેનનો લાભ લઈને વતનમાં જાય એ લોકોએ સરકારના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનું રહેશે. કચ્છ યુવક સંઘના પ્રમુખ ધીરજ છેડા `એકલવીર'એ જણાવ્યું કે અત્યંત જરૂરી હોય તો જ વતનમાં જવું. કચ્છમાં પરિસ્થિતિ વણસે નહિ એ ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે કચ્છમાં કોરોના રોગ વિષે જાગૃતિ અને જાણકારી જોઈએ તેટલી નથી. મેડિકલ સુવિધા અપૂરતી છે. એટલે જરૂર હોય તો જ વતનમાં જવા સંસ્થા વતી નમ્ર વિનંતી છે. વાગડ વિસા ઓશવાળ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજીભાઈ રીટાએ જણાવ્યું છે ટ્રેન ચાલુ થાય છે એ સારી વાત છે પણ વાગડના સામખિયાળી અને ભચાઉમાં ટ્રેન થોભવાની નથી. જે અન્યાય કહેવાય, આ પ્રશ્નનો જલદી નિવેડો લાવવા હું અને કચ્છી પ્રવાસી સંઘના કન્વીનર નીલેશ શ્યામ શાહ વેસ્ટર્સ રેલવેના જનરલ મૅનેજર સમક્ષ સોમવારે રજૂઆત કરવાના છીએ. મુલુંડના સામાજિક અગ્રણી હિરાલાલ મૃગે જણાવ્યું કે માણસ અને માલસામાનનું ટ્રાન્સ્પોર્ટેશન ક્યારે પણ અટકવું ન જોઈએ. જો અટકે તો જીવન સ્થગિત થઈ જાય. અર્થતંત્ર થંભી જાય. ખરેખર ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય આવકાર્ય છે.કચ્છ જળ અભિયાનના કન્વીનર કિશોર ચંદને જણાવ્યું કે ટ્રેનો ચાલુ થવાથી કચ્છના જનજીવનમાં પ્રાણ આવશે કારણ કે ગામડાનો આર્થિક આધાર મુંબઈવાળા પર વિશેષ છે. હાલમાં ગામડા રોજીરોટી વિના ખાલી થવા લાગ્યા છે. કચ્છમાં 980 ગામો છે. તેમાંથી માત્ર 70 ગામડામાં કોરોના છે. એટલે બહારથી આવતા લોકો સુરક્ષિત જગ્યાએ શરૂઆતમાં રોકાણ કરે એ સૌના હિતમાં છે તો બીજી ટ્રેનો પણ ચાલુ થવાની તક મળશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer