કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 1800ને પાર

ભુજ, તા. 20 : રવિવારે વધુ 35 પોઝિટિવ કેસ સાથે કોરોનાએ પોતાની આગેકૂચ જારી રાખી છે. આજે નોંધાયેલા 35 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 1815 પર પહોંચી ગયો છે. ખૂબ ટૂંકા ગાળામાં કોરોનાના કેસ 1800ને પાર થઈ ગયા છે.આરોગ્ય વિભાગે જારી કરેલા સત્તાવાર આંકડા અનુસાર અત્યાર સુધી કોરોનાથી સત્તાવાર રીતે 58 લોકો મોતને ભેટયા છે. એક્ટિવ કેસનો આંક વધીને 341 પર પહોંચી ગયો છે. જ્યારે આ રોગને મ્હાત આપી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1341 પર પહોંચી ગઈ છે. દરમ્યાન જિલ્લામાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વકરી રહ્યું છે. એકતરફ લોકો સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા આરોગ્ય કેન્દ્રોમાં જઈ રહ્યા છે. સરકારી કચેરીઓ અને વિવિધ ઔદ્યોગિક એકમોની સાથે હવે જ્ઞાતિકક્ષાએ પણ કોરોનાના સામૂહિક ટેસ્ટ કરવાની શરૂઆત કરાઈ છે. આ કારણે દર્દીઓનું નિદાન થવા સાથે લોકોમાં પણ જાગૃતતા આવશે તેવો મત જાગૃત નાગરિકોમાં પ્રવર્તતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર માસમાં જ જિલ્લામાં કોરોનાના 450થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer