ગાંધીધામ-અંજારમાં ખાનગી તબીબોને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા આદેશ

ગાંધીધામ, તા. 20 :  કોરોના  વાયરસથી સંક્રમિતો  આંક અટકવાનો નામ નથી લેતો. ગાંધીધામ-અંજારમાં પણ કોરોનાગ્રસ્તોનો  આંક ઊંચકાઈ રહ્યો છે. તેવામાં  સારી આરોગ્યલક્ષી  સારવાર આપવા મુદે અંજાર પ્રાંત અધિકારી દ્વારા ખાનગી તબીબોને ફરજીયાત પણે  કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.અંજાર-ગાંધીધામમાં કોરોના વાયરસનો ભોગ બનનારા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજય સરકાર વધારા કોરોના ગ્રસ્તોને  સારવાર આપવા માટે વધુ  કોવિડ  હોસ્પિટલો કાર્યરત કરવાની દિશામાં પગલા લેવાઈ રહયા  છે. આ માટે  આરોગ્ય વિભાગના  મેડીકલ ઓફિસર અને પેરા મેડીકલ  સેવા આપી રહયા છે. કેસોની સ્થિતીને કેન્દ્રમાં રાખીને વધુ  હજુ પ એમ.ડી ફિઝીસીયન, એનેસ્થેસ્ટીક, ઈન્ટેસીવીસ્ટ જેવા નિષ્ણાંત તબીબોની સેવા જરૂરીયાત અંગે ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પત્ર દ્વારા અનુરોધ કરાયો હતો. નોંધપાત્ર  છે કે વહીવટીતંત્ર  દ્વારા સમયાંતરે આયોજીત જુદી-જુદી બેઠકમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના હોદેદારોને બોલાવવાની  કોવિડ હોસ્પિટલમાં સેવા આપવા અપીલ કરાઈ હતી. તેમ છતાં  આઈ.એમ.એ. દ્વારા કોઈ નક્કરઆયોજન સાથે સહમતી રજુ કરાઈ ન હતી અંજારના નાયબ કલેકટર દ્વારા     19  ફિઝિશિયન, 12 એનેસ્થેટીક, 32 એમ.બી.બી.એસ. તબીબોની સેવા રાજય સરકાર  હસ્તગત કરવા આદેશ કર્યો હતો.આ તબીબોને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ફાળવવામાં આવે તે કોવિડ-હોસ્પિટલ અથવા કોવિડ કેર સેન્ટરોમાં ફરજ બજાવવાની રહેશે. તબીબોએ  ફાળવેલ જગ્યા ઉપર સમયસર હાજર રહી  તમામ દર્દીઓની  આરોગ્યલક્ષી સારવાર સબંધિત કામગીરી ચુસ્તપ્રોટોકોલ તથા સરકારી માર્ગદર્શિકાને કેન્દ્રમાં રાખીને કરવાની રહેશે.આ માટે મહેનતાણાની વ્યવસ્થા ટી.એચ.ઓ તથા સી.ડી.એચ.ઓ. દ્વારા કરવાની  રહેશે તેવુ જણાવવામાં આવ્યુ  છે. આદેશનો ભંગ કરનારા સામે કાર્યવાહીનું પત્રમાં જણાવામાં આવ્યુ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer