મધ્યમ કક્ષાના ડેમોમાંયે રેતી-માટીનો ભરાવો

ભુજ, તા. 20 : કચ્છ જેવા સૂકા પ્રદેશમાં સિંચાઇ માટે બનાવાયેલા અને લગભગ પોણી સદીએ  પહોંચેલા મધ્યમ કક્ષાના ડેમોમાંયે 30થી 40 ટકા માટી-રેતીનો ભરાવો થઇ જતાં પાણીની સંગ્રહશક્તિમાં  ઘટાડો થયો છે. સિંચાઇ માટેના એકમાત્ર આધારસમા ડેમોમાં માટી કાઢવા (ડિસિલ્ટિંગ) માટેની કોઇ જોગવાઇ ન હોવાથી ખેતી માટે ભવિષ્યમાં  મુશ્કેલી સર્જાઇ શકે તેવો મત જાણકારો વ્યકત કરી રહ્યા છે. જાણકારો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં છેક વર્ષ 1953-54થી 1989-90 દરમ્યાન મધ્યમ કક્ષાના 20 ડેમ બનાવવામાં આવ્યા છે. જે પૈકી અનેક ડેમ પોણી સદીએ પહોંચવા આવ્યા છે. આ ડેમોમાં પણ વરસાદ દરમ્યાન તણાઇ આવતી રેતી-માટી થકી 30થી 40 ટકા ભરાવો થઇ ગયો છે. જેના કારણે તેની સંગ્રહશક્તિમાં પણ ખાસ્સો ઘટાડો થયો છે. આ ડેમો માટીથી ભરાઇ જાય એટલે તેની આવરદા પૂરી લેખવામાં આવે છે. ખેતીની સિંચાઇ માટે મહત્ત્વના ડેમોમાંથી માટી કાઢવા સરકાર દ્વારા કોઇ જોગવાઇ ન હોવાથી ભવિષ્યમાં પીવાનાં પાણીની જેમ ખેડૂતોને પણ નર્મદાના જળ આધારિત ખેતી કરવી પડશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ 20 પૈકી 13થી 14 ડેમનો છેલ્લા ત્રીસેક વર્ષથી સર્વે પણ કરવામાં આવ્યો નથી. તેમ આ ડેમોમાં માટી કાઢવાનો જેટલો ખર્ચ કરવામાં આવે તેટલી આવક પણ સરકારને ન ઉપજે તેથી બજેટમાં કોઇ જોગવાઇ કરવામાં આવતી નથી, પરંતુ એકાદ વખત ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી ડિસિલ્ટિંગ  કરવામાં આવ્યું છે. તેના સિવાય ક્યારેય માટી કાઢવામાં આવી નથી. દરમ્યાન તાંત્રિક જાણકાર ઇજનેરોના મતે નાની સિંચાઇના ડેમ જેમ આ ડેમની ઊંચાઇ કે પાળા બાંધવા શક્ય નથી. કેમ કે આ ડેમોના ઘેરાવાને જોતાં આસપાસના ખેતરો-વાડી ડૂબમાં જાય તેમ હોવાથી ખેડૂતોને નુકસાની થવાનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે તેમ છતાં ટેકનિકલ રીતે સર્વે કરી આસપાસના ખેડૂતોને વિશ્વાસમાં લઇ ડેમોની ઊંચાઇ વધારી શકાય. એડમંડ ડેમમાંથી ચાર લાખ ઘનમીટર માટી કઢાઇ આ અંગે સિંચાઇ ખાતાના અધીક્ષક ઇજનેર એસ. બી. રાવનો સંપર્ક સાધતાં તેમણે આપેલી વિગતો મુજબ ડેમોમાં  ડિસિલ્ટિંગ માટે કોઇ જોગવાઇ કરવામાં આવતી નથી, પરંતુ જરૂર પડે તો દરખાસ્ત કરવામાં આવે છે. તેમ થોડા સમય પહેલાં ભુજ તાલુકાના એડમંડ ડેમમાંથી 4 લાખ ઘનમીટર માટી કાઢવામાં આવી હતી, જેનાથી આ ડેમમાં 40 કરોડ લિટર વધુ પાણી સંગ્રહશક્તિ વધારવામાં આવી છે, તો જો કોઇ સંસ્થા અથવા ખેડૂતો તૈયાર થાય તો સુજલામ સુફલામ યોજના તળે જળસંચય માટે છૂટ અપાય છે. કચ્છમાં નવા ડેમ માટે તલ-લૈયારીમાં પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. ખેડૂતો પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે શ્રી રાવે ડેમોમાંથી સિંચાઇ કરતા ખેડૂતો પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ તેવો મત વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ભૂતળનું પાણી ઇમરજન્સીમાં જ વાપરવું જોઇએ. દરમ્યાન ચાલુ વર્ષે કચ્છમાં થયેલા વરસાદ થકી નાની સિંચાઇના 32ની સાથે સાથે મધ્યમકક્ષાના પણ પાંચ ડેમ ઓવરફલો થઇ ગયા છે, જેમાં અબડાસાનો કનકાવતી, લખપતનો ગોધાતડ, રાપરનો ફતેહગઢ, મુંદરાનો કારાઘોઘા અને માંડવીના ડોણનો સમાવેશ થાય છે, જ્યારે બેરાચિયામાં 96 ટકા જેટલું પાણી ભરાયેલું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer