સામખિયાળી પાસેથી 24.57 લાખનો દારૂ પકડાયો

સામખિયાળી પાસેથી 24.57 લાખનો દારૂ પકડાયો
ગાંધીધામ, તા. 18 : ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક ઈ.ટી કંપની પાસેથી પોલીસે રૂ. 24,57,000 નો  શરાબ પકડી પાડયો હતો પરંતુ આઈસર ટ્રકનો ચાલક નાસી જવામાં સફળ રહયો હતો.સામખિયાળીની સ્થાનિક પોલીસ ટોલનાકાથી 500 મીટર ભચાઉ બાજુ વાહન ચેકીંગમાં હતી. દરમ્યાન એક આઈશર  ટેમ્પોમાં દારૂ ભરેલો છે અને આ દારૂ ગાંધીધામ બાજુ જવાનો છે તેવી પૂર્વ બાતમી પોલીસને મળી હતી. પોલીસે પોતાની તૈયારીઓ ગોઠવી દીધી હતી. તેવામાં એક સફેદ રંગનો આઈશર ટેમ્પો આવતા પોલીસે તેને રોકાવવાની કોશિષ કરી હતી. પરંતુ તેના ચાલકે વાહન ઉભું ન રાખી ટેમ્પોને આગળ લઈ ગયો હતો .પોલીસે તેનો પીછો કરતા આ અજાણ્યા શખ્સે ટેમ્પોને ભચાઉ-સામખીયાળી વચ્ચે ઈ.ટી.કંપની પાસે મુકીને પોતે નાસી ગયો હતો.પોલીસ ત્યાં પહોંચી તેવામાં પાછળથી જી.એસ.ટી ના કર્મચારીઓ પણ બોલેરો કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા આ જી.એસ.ટીના કર્મીઓએ આઈશર ટેમ્પાના ચાલકને સામખિયાળી આગળ ઉભો રખાવ્યો હતો અને વે બીલની માંગણી કરી હતી. તેવામાં આ શખ્સ પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. તેનો પીછો  કરતા-કરતા જી.એસ.ટી.ના કર્મીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. સફેદ રંગના આઈશર ટેમ્પો નંબર એમ.એચ.48.એ.વાય.9315માંથી મેકડોવેલ્સ નંબર -1 ની 750 એમ.એલની 6552 બોટલ કિંમત રૂ.24,57,000નો શરાબ જપ્ત કર્યો હતો. આ વાહનની કેબિનમાંથી ટેમ્પોના ફોર્મ નં.38, ફોર્મ નં.47, વીમાની નકલ,પી.યુ.સી ની નકલ, બજરંગ ટ્રાન્સપોર્ટ નામનુ બિલ, તથા તાલપત્રી અને દારૂ ,ટેમ્પો એમ કુલે રૂ.32,57,100 નો મુદામાલ હસ્તગત કર્યો હતો. નાસી જનાર આ ચાલક કોણ હતો તેણે કયાંથી દારૂ ભર્યો હતો કોણે મોકલાવ્યો હતો અને ગાંધીધામમાં કોણે મંગાવ્યો હતો તે સહિતની આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer