પતંજલિ કચ્છમાં આયુર્વેદ દવાઓની વનસ્પતિ ખરીદીનું કેન્દ્ર શરૂ કરે

પતંજલિ કચ્છમાં આયુર્વેદ દવાઓની વનસ્પતિ ખરીદીનું કેન્દ્ર શરૂ કરે
ગાંધીધામ, તા. 18 : પતંજલિ યોગ સમિતિના ગાંધીધામ સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે ઓનલાઈન બેઠકમાં વિવિધ બાબતો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન કચ્છમાં દવા માટેની વનસ્પતિની ખરીદીનું કેન્દ્ર બનાવવા અનુરોધ કરાયો હતો. યોગગુરુ બાબા રામદેવજીના સાંનિધ્યમાં યોજાયેલી ઓનલાઈન બેઠકમાં દરેક રાજ્યના પ્રભારી, જિલ્લા પ્રભારી અને કારોબારી સભ્યો જોડાયા હતા. બેઠકમાં જિલ્લા પ્રભારી ભરત રૂપારેલે બાબા રામદેવજીને કચ્છ જિલ્લા સમિતિનો પરિચય આપ્યો હતો. તેમણે કચ્છ જિલ્લાની માહિતી આપી આ વખતે કચ્છમાં 250 ટકા વરસાદ થયો હોવાથી આયુર્વેદ વનસ્પતિ વિપુલ માત્રામાં થશે. જેથી પતંજલિ યોગપીઠ દ્વારા કચ્છમાં દવા માટેની વનસ્પતિની ખરીદીનું કેન્દ્ર કાર્યરત કરવા અપીલ કરી હતી. યુવા પ્રભારી ભૂપેન્દ્રસિંહ સોઢાએ હાલની ઓનલાઈન અને ઓફલાઈન યોગ કક્ષાની માહિતી આપી હતી. કિસાન પ્રભારી ગિરધરભાઈ ટાંકે વિષમુક્ત ખેતી અંગે વાત કરી હતી. ખજાનચી પંકજ કતીરાએ સ્વામીજીને કચ્છની પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતા.  જિલ્લા સમિતિના સારથી જયદીપસિંહે ગળોની વેલ અને કેળાનો પ્રસાદ આપ્યો હતો. બચુભાઈ કામદારે આગામી કાર્ય  યોજના તૈયાર કરી સમગ્ર કચ્છને યોગમય બનાવવા અપીલ કરી હતી. દરેક  સંગઠનમાં સોશિયલ મીડિયા પ્રભારી તરીકે વત્સલ સોમેશ્વર અને ધવલ ઠક્કરની નિયુક્તિ કરવામાં આવી હતી. કોરોના મહામારીના સમયમાં પતંજલિ  યોગ સમિતિ કચ્છ દ્વારા ગિલોઈ કાઢાનું તેમજ ગળોની વેલ, તુલસી, કુંવારપાઠા, પથ્થરચઠાના રોપાઓનું સમગ્ર કચ્છમાં નિ:શુલ્ક  વિતરણ કરવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer