પીએમ કેર્સ ફંડ મુદ્દે લોકસભામાં હંગામો

નવીદિલ્હી, તા.18: લોકસભામાં આજે પીએમ કેર્સ ફંડ મુદ્દે ભારે હંગામો મચી ગયો હતો અને આ દરમિયાન ગૃહની કામગીરી ત્રણવાર સ્થગિત રાખવાની ફરજ પડી હતી. પહેલા નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર તરફથી નહેરુ-ગાંધી પરિવાર વિશે ટિપ્પણી કરવામાં આવી હતી અને પછી ઠાકુર ઉપર કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ વાંધાજનક ટિપ્પણી કરી દેતા હોબાળો મચી ગયો હતો. બાદમાં ઠાકુરે કોઈને ઠેસ પહોંચી હોય તો મને પણ પીડા છે તેમ કહીં અફસોસ વ્યકત કર્યો હતો. કરાધાન અને અન્ય વિધિઓ (સુધારા) વિધેયક 2020 લોકસભામાં રજૂ કરવા દરમિયાન કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસનાં સભ્યોએ પીએમ કેર્સ ફંડની રચના સામે સવાલો ઉઠાવ્યા હતાં. જેમાં કેટલાક સદસ્યો દ્વારા આ કોષને વડાપ્રધાન રાષ્ટ્રીય આપદા ભંડોળમાં ભેળવી દેવાના સૂચનો પણ થયા હતાં. આ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, પીએમ કેર્સ ફંડનો વિરોધ કરવામાં આવે છે પણ તેની પાછળ તર્ક હોવો જોઈએ. વિપક્ષ ઈવીએમ ખરાબ હોવાનું રટણ કરતો અને અનેક ચૂંટણીઓ હારી ગયો. પછી જનધનને ખરાબ ગણાવ્યું, ત્યારબાદ જીએસટીને અને પછી ત્રણ તલાકને પણ ખરાબ ગણાવવામાં આવ્યું. સત્ય એ છે કે વિપક્ષની નિયત જ ખરાબ છે. તેથી તેમને સારા કામો નજરે પડતા નથી. પીએમ કેર્સ મુદ્દે વિપક્ષ અદાલતમાં ગયો પણ અદાલતે પણ તેમની દલીલો ખારિજ કરી નાખી. 1948માં તત્કાલીન પ્રધાનમંત્રીએ શાહી હુકમની જેમ રાષ્ટ્રીય રાહત કોષ બનાવવાનો આદેશ કર્યો હતો. જેની આજ સુધી નોંધણી પણ થઈ નથી અને તેને વિદેશી ભંડોળની મંજૂરી કેવી રીતે મળી ગઈ? પરંતુ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. પીએમ કેર્સ ફંડ પૂર્ણપણે સંવિધાનિક અને નોંધાયેલું ટ્રસ્ટ છે. ત્યારબાદ ઠાકુરે નહેરુ-ગાંધી પરિવાર વિશે કેટલીકટિપ્પણી કરી હતી. જેને પગલે કોંગ્રેસનાં રોષે ભરાયેલા સભ્યો ગૃહત્યાગ કરી ગયા હતાં. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસનાં એક સદસ્યે ટિપ્પણી કરતાં પશ્ચિમ બંગાળનાં ભાજપ સાંસદ લોકેટ ચેટરજીએ પોતાનાં સ્થાને ઉભા થઈને કંઈક કહ્યું. જેની સામે તૃણમૂલનાં કલ્યાણ બેનરજીએ સખત વાંધો લઈને પોતાનાં સ્થાને ઉભા થઈને વિરોધ કર્યો. ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, સત્તાપક્ષ હોય કે વિપક્ષ કે પછી કોઈ મંત્રી કેમ ન હોય. જો કોઈ ઉભા થઈને બોલશે તો તેમને બહાર નીકળવાનો આદેશ કરવો પડશે.દરમિયાન કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ અનુરાગ ઠાકુરનાં ભાષણો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમે ક્યારેય એકપણ અસંસદીય કે અસંવિધાનિક વાત કરી નથી. ઠાકુરે માહોલ ખરાબ કરી નાખ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer