શાળાની ફી નક્કી કરો: હાઈકોર્ટમાંથી સરકારને લેસન

અમદાવાદ,તા.18: કોરોનાનાં કપરા કાળમાં શાળાની ફીનો મુદ્દો ખાનગી શાળાઓ, સરકાર અને છાત્રોનાં વાલીઓ માટે જટિલ કોયડો બની ગયો છે. હાઈ કોર્ટનાં આદેશને પગલે ગુજરાત સરકારે શાળા સંચાલકોને ફીમાં રાહતની ભલામણો કરી હતી. જેનો શાળાઓએ અસ્વીકાર કરી નાખેલો. જેને પગલે રાજ્ય સરકારને ફરીથી ગુજરાત હાઈ કોર્ટનાં દ્વારે જવું પડેલુ અને આ વખતે સરકારની હાલત વધુ કફોડી બની ગઈ છે. હાઈ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે આ મામલે નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં સરકાર અદાલતમાં આવે તે ખેદજનક છે. આમ હવે વાલીઓ અને શાળા સંચાલકોમાંથી કોની માગણીનો પક્ષ લેવો અને કેવો વચલો માર્ગ કાઢવો તેની દ્વિધામાં સરકાર ઘેરાઈ ગઈ છે.ગુજરાત હાઇ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્ય સરકાર પાસે આ મામલે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. આથી હવે ગુજરાત સરકાર જે ફી નક્કી કરશે તે ફી સંચાલક મંડળે સ્વીકારવી પડશે. ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇ કોર્ટમાં કરવામાં આવેલી અરજીનો આજે હાઇ કોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇ કોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે.મહત્ત્વનું છે કે, કોરોના કાળમાં સ્કૂલ અને કોલેજો બંધ હોવાથી ગુજરાત વાલી સંચાલક મંડળે સ્કૂલોને ફીમાં રાહત આપવાની માગણી કરી હતી. જોકે, સંચાલકો તૈયાર ન થતાં આ મામલે સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં ઉઘરાવી શકે તેવી જાહેરાત કરી હતી. સરકારના આ પરિપત્રના વિરોધમાં સંચાલક મંડળ હાઇ કોર્ટમાં ગયું હતું. આ મામલે હાઇ કોર્ટે સરકારનો પરિપત્ર રદ કરી નાખ્યો હતો અને સ્કૂલ સંચાલકો અને સરકારને સાથે બેસીને આ મામલે કોઈ નિરાકરણ લાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને ફીમાં 25 ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સ્કૂલ સંચાલકોએ આ વાત સ્વીકારી ન હતી અને તેઓ સ્કૂલ ફીમાં કરેલો 10 ટકાનો વધારો જ જતો કરવા માટે રાજી થયા હતા. આ મામલે ગુજરાત સરકારે ફરીથી હાઇ કોર્ટમાં અરજી કરી હતી.રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ અજય પટેલે પણ ચુકાદાને શિરોમાન્ય ગણાવતા કહ્યું હતું કે, વાલીઓને ન્યાયતંત્ર અને સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે. સરકાર હવે બધાનું હિત ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેશે તેવી આશા રાખવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer