NIC ઉપર મોટો સાયબર એટેક: સંવેદનશીલ જાણકારીની તફડંચી

નવી દિલ્હી, તા.18: દેશની સૌથી મોટા માહિતી કોષ એટલે કે ડેટા એજન્સી રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર-એનઆઈસી) ઉપર મોટો સાયબર હુમલો થયો છે અને તેમાં સંવેદનશીલ જાણકારીઓ તફડાવી લેવામાં આવી હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાયબર હુમલા અંગે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.  એનઆઈસીમાં પ્રધાનમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતરાષ્ટ્રીય હિત સંબંધિત જાણકારીઓ હોય છે. જેથી આ સાયબર હુમલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ સાયબર એટેક બેંગ્લુરૂ સ્થિત એક પેઢીમાંથી થયો છે અને તેનાં તાર અમેરિકા સાથે જોડાયેલા છે. એનઆઈસીના ડેટા બેઝમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જાણકારીઓ સાથે ભારતના નાગરિકો, વીવીઆઈપી લોકોની જાણકારીઓ હોય છે.દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મળેલી માહિતી મુજબ એનઆઈસીની કોમ્પ્યુટર સિસ્ટમમાં ઈ-મેઈલના માધ્યમથી માલવેર મોકલવામાં આવ્યો હતો. જેમાં એક લિંક પર ક્લિક થતાં જ તમામ જાણકારીઓ ગાયબ થઈ ગઈ. ત્યારબાદ દિલ્હી પોલીસને સૂચના અપાઈ. જાણકારી સામે આવતા જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કમાન સંભાળી લીધી અને કેસની તપાસ શરૂ કરી દીધી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer