ચીનને વધુ એક ઝટકો- LED ની થશે આકરી ગુણવત્તા ચકાસણી

નવી દિલ્હી, તા. 18 : ભારતે ચીનને વધુ એક પાઠ ભણાવવાની તૈયારી કરી લીધી છે. હવે દેશમાં આયાત થનારા તમામ એલઈડી ઉત્પાદનોની તપાસ થશે. ભારત સરકાર ચીનથી થનારી આયાત ઉપર લગામ કસવા માગે છે અને આ દિશામાં મોદી સરકારે ઉઠાવેલું મહત્ત્વનું પગલું છે. વાણિજ્ય મંત્રાલય હેઠળ આવતા બીઆઈએસએ દેશના મોટા બંદર જેમ કે કંડલા, પારાદીપ, કોચ્ચિ, મુંબઈ વગેરે ઉપર આયાત થતા એલઈડી પ્રોડક્ટની તપાસનો આદેશ આપ્યો છે. આ માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક નોટિફિકેશન જારી કર્યું છે.આદેશ મુજબ આયાત થતા માલમાંથી કોઈપણ સેમ્પલને અનિયમિત રીતે પસંદ કરવામાં આવશે, તપાસ માટે બીઆઈએસ લેબમાં મોકલવામાં આવશે અને 7 દિવસમાં તપાસ પુરી થશે, એલઈડી સુરક્ષા માપદંડ ઉપર યોગ્ય છે કે નહીં તેની તપાસ થશે, જો યોગ્ય ન હોય તો તેને પરત મોકલવામાં આવશે અથવા નષ્ટ કરી દેવામાં આવશે. ભારતના પગલાથી ચીનની મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે ચીનના ગુણવત્તા વિનાના એલઈડી કન્સાઈમેન્ટને ભારતમાં એન્ટ્રી નહીં મળે તો આર્થિક નુકસાન થશે. ચીન માટે ભારત ઈલેક્ટ્રોનિક સામાનોનું મોટું માર્કેટ છે. ચીન ઉપર ભારતની નિર્ભરતા ઓછી કરવા માટે પીએમ મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોની શરૂઆત કરી છે. ચીનને સરહદે પાઠ ભણાવવા ઉપરાંત તેની આર્થિક કમર તોડવાની શરૂઆત પણ અગાઉથી થઈ ચૂકી છે. જેના ઉપર ચીનની આયાત થતા કલર ટીવી ઉપર અંકુશ લાદવામાં આવ્યો હતો. સરકારી ખરીદીમાં પણ ચીની કંપનીઓના ભાગ લેવા ઉપર રોક લાદવામાં આવી હતી. તેમજ એફડીઆઈને લઈને નિયમ પણ બદલવામાં આવ્યા છે. જેમાં ભારત સાથે સરહદ જોડાતી હોય તેવા દેશોમાં એફડીઆઈ રોકાણ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. ચીન ઉપર ડિજિટલ  સ્ટ્રાઈક હેઠળ ટીકટોક અને પબજી સહિતની એપ્લિકેશનો ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer