કૃષિ ખરડાનો વિરોધ ગુમરાહ કરનારો : બચાવમાં મોદી મેદાને

નવી દિલ્હી, તા.18: બિહારમાં વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પક્ષોની ઝાટકણી કાઢી હતી જેઓ ખેડૂતો સંબંધિત ખરડાનો વિરોધ કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દેશના ખેડૂતો જોઈ રહ્યા છે કે કોણ વચેટીયાઓની સાથે ઉભા છે. એવું માનવામાં આવે છે કે પંજાબના રાજકારણને ધ્યાને લઈ ખેડૂતલક્ષી ખરડાઓ મુદ્દે રાજકીય રોટલા સેકવામાં આવી રહ્યા છે. વિપક્ષી દળો મોદી સરકારને ખેડૂત વિરોધી સાબિત કરવા મેદાને પડયા છે.એટલે જ આજે વડાપ્રધાન ખૂદ આગળ આવ્યા અને કહ્યું કે ખેડૂતોને પોતાની ઉપજ દેશમાં કયાંય પણ, કોઈને પણ વેંચવાની આઝાદી આપવી એ ઐતિહાસિક પગલું છે. ર1મી સદીમાં ભારતનો ખેડૂત બંધનોમાં રહીને નહીં મુક્ત રીતે ખેતી કરશે. જયાં ઈચ્છા થશે પોતાનો ઉપજ વેંચશે. ખેડૂત કોઈ વચેટીયા આધારીત નહીં રહે અને પોતાની ઉપજ તથા આવક વધારી શકશે. વડાપ્રધાને કહ્યું કે લોકસભાએ ગઈકાલે ઐતિહાસિક કૃષિ સુધાર ખરડો પસાર કર્યો. પરંતુ એ લોકો ખેડૂતોની રક્ષાનો ઢંઢેરો પીટી રહ્યા છે જેઓ ખેડૂતોને ખરેખર અનેક બંધનોમાં જકડીને રાખવા ઈચ્છે છે. તે લોકો વચેટીયાઓનો સાથ આપી રહ્યા છે અથવા એવું કહો કે ખેડૂતોની કમાણીને વચ્ચેથી લૂંટનારાઓનો સાથ આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગુરૂવારે લોકસભામાં કૃષિ ઉપજ વાણિજ્યિક તથા વ્યાપાર (સંવર્ધન તથા સુવિધા) ખરડો ર0ર0 તથા ખેડૂત (બંદોબસ્તી અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા ખરડો પસાર કરાયો હતો. આ ખરડાઓના વિરોધમાં અકાળી દળના હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું એટલે સુધી કે વર્ષો જૂના ભાજપ અને અકાલી દળના સંબંધો પણ દાવ પર લાગી ગયા છે. કોંગ્રેસે પણ આ ખરડાઓના વિરોધમાં વોકઆઉટ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer