ઓનલાઈન ટેબલ વેચવા જતાં ભુજના યુવાને 38 હજાર ખોયા

ભુજ, તા. 18 : શહેરના યુવાને ઓનલાઈન ટેબલ વેંચવાની જાહેરાત મુકયા બાદ ખરીદનાર શખ્શે યુકિત પુર્વક યુવકના ખાતામાંથી રકમ મેળવી છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ  ગત તા. પ જુલાઈથી 6 જુલાઈના અરસામાં બન્યો હતો. ફરીયાદી જીજ્ઞેશ કિશોરભાઈ ચાવડાએ કોમ્પયુટરનું જુનુ ટેબલ વેંચવા માટે ઓ.એલ.એકસ ઉપર જાહેરાત મુકી હતી. આ જાહેરાત જોયા બાદ ફરીયાદીના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. ફોન કરનારા શખ્શે આર્મી ઓફીસર તરીકેની ઓળખ આપી હતી. અને મારા અધિકારી સાથે વાત કરાવીશ તેવું કહ્યું હતું. બીજા દિવસે દિલ્હીથી આર્મી ઓફીસર બોલું છું તેવું કહી ટેબલના પૈસા ગુગલ પે મારફત મુકશું. આરોપીએ ફરીયાદીને ગુગલ પેમાંથી લીન્ક મારફત એક રૂપીયો મોકલ્યો હોવાનું કહી તેને રીસીવ કરવા કહ્યું હતું. અને એપ્લીકેશનમાં શું કરવું તેની જાણકારી આપી હતી. ફરીયાદીએ એપ્લીકેશનમાં પ્રોસેસ કરતા જ તેમના એસબીઆઈના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેકશનથી 38 હજાર ઉપાડી લેવાયા હતાં. આરોપીએ જુલી દેવી 9649543685 લીન્ક મોકલી હતી.  અને પૈસા તફડાવી લીધા હતાં. બાદમાં આ પૈસા ભુલથી આવી ગયા હોવાનું જણાવી એટીએમ કાર્ડનો ફોટો  વોટસએપમાં મોકલો તેવું કહ્યું હતું.  આ ફોન  ગત 26 જુલાઈ સુધી ચાલુ હતો પરંતુ ત્યાર સુધી માં રકમ પરત ખાતામાં જમા ન કરાવી યુવાન સાથે છેતરપીંડી કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer