આદિપુરમાં યુવાનને સૂતો રાખી 18 હજારનો હાથફેરો કરાયો

ગાંધીધામ, તા. 18 :  આદિપુરના  છ વાળી રામાપીરના મંદિર સામે તસ્કરો  નૌ-સેનાના જવાનના  ઘરમાં ઘૂસી  રૂ. 18 હજારની  મતાની ચોરી કરી ગયા હતા.આદિપુર છ વાળી વિસ્તારના રામાપીર મંદિર સામે મકાન નં. 192 ગાયત્રી જનરલ સ્ટોરની ઉપરના રૂમમાં સંદીપકુમાર ક્રિષ્ના મહેતો નામનો યુવાન રહે છે. આ યુવાન નૌ-સેનામાં  નવા ભરતી થનારા જવાનોને તાલીમ આપી પોતાની ફરજ બજાવે છે.ગત તા.16/9ના રાત્રે તે સુઈ ગયો હતો  અને તા.17/9ના  તે જાગ્યો ત્યારે તેના રૂમમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.  પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે  આ જવાનના ઘરમાં ઘૂસી ઘરમાંથી એક મોબાઈલ, એક હેન્ડ બેગ(થેલો), જેમાં તેનું નૌ-સેનાનું ઓળખપત્ર, બેંકનુ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, બાઈકની આર.સી બુક, ડ્રાઈવીંગ લાયસન્સ, ચૂંટણીકાર્ડ વગેરે તથા રોકડ રૂ.800 હતા. તે સહિતના  રૂ. 18 હજારની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. નૌ-સેનાના જવાનના ઓળખપત્રોની ચોરી કરનાર કોણ છે ? તેના ઓળખપત્રોનો ખોટી રીતે ઉપયોગ તો નથી થવાનો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ  ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer