રાપરમાં ઘરમાં ઘૃસી 15થી 20 જણે ત્રણ જણ ઉપર કર્યો સશત્ર હુમલો

ગાંધીધામ, તા. 18 : રાપરની પટેલ સમાજવાડી પાછળ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં આવેલાં એક  મકાનમાં ઘૂસી  15 થી 20 જેટલા  શખ્સોએ બે મહિલા  સહિત  ત્રણ લોકો ઉપર લાકડી, ધારીયા, પાઈપ, ધોકાથી હુમલો કર્યો હતો. રાપરનાં ભુતિયા કોઠા પાસે આવેલા પ્લોટ બાબતે મંજુલાબેન રણછોડ  પટેલ(ચૌધરી)એ એકાદ વર્ષ અગાઉ ડાભુંડાના ચનુભા વર્ધાજી સોઢા વિરુધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલે મુંબઈ ઘાટકોપર રહેતા આ મહિલા અને તેમનો પુત્ર ધર્મેશ રણછોડ પટેલ તથા ફઈ દેવીબેન  અહીં આવ્યા હતા.  મારામારીના આ બનાવના ફરીયાદી ધર્મેશ પટેલે પોતાના  પ્લોટમાં રેતી, બ્લોક નખાવ્યા હતા. દરમ્યાન ગઈકાલે  તેમના  ઘરે 15 થી 20 અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ ફરીયાદી યુવાનને  ગાળો આપી  તેના ઉપર ધારીયા, ધોકા, લાકડી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. તેને બચાવવા તેની માતા અને ફઈ વચ્ચે પડતાં  આ શખ્સોએ  મહિલાઓને પણ માર માર્યો હતો. ઘવાયેલા  યુવાનને  અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ચનુભા સોઢા સહિત 15 થી 20 અજાણ્યા શખ્સો સામે પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer