ફરાદીમાં પવનચક્કી કંપનીના કામોની તપાસ કરવા સાથે પગલાં માટે માગણી

કોડાય (તા. માંડવી) તા. 18 : તાલુકાના ફરાદી ગામમાં પવનચક્કી સંચાલક કંપની દ્વારા આચરવામાં આવેલી કહેવાતી ગેરરીતિ અને બેદરકારી બાબતે પગલાં લઈ જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માગણી કરાઈ છે.ગામમાં જી.ઈ. કંપની દ્વારા અંદાજિત સત્યાવીસ જેટલી પવનચક્કી ઊભી કરાઈ છે. આ પવનચક્કીઓ ખેતીની જમીનમાં સરકારના નિયમોનો ભંગ કરી કોઈ પણ જાતના હેતુફેર કર્યા?વગર ઊભી કરેલી છે તેવું જણાવી આ બાબતે માંડવી મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીને શરતભંગનો અહેવાલ અપાયો છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવેલાં નથી તેવી ફરિયાદ કરાઈ છે.ફરાદી સીમાડામાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવેલું છે. મનફાવે ત્યાંથી રસ્તો બનાવી અને સીમાડાના અગાઉના રસ્તાઓ બંધ કરી છે. આ કંપની દ્વારા ગૌચર જમીનમાંથી તેમજ તળાવ ડેમની પાળમાંથી તેમજ તળાવના ઓગનમાંથી રસ્તાઓ બનાવેલો છે. જેને લીધે હાલ સીમાડામાં જવા માટે ફેરા ખાઈને જવું પડે છે તેવું ગામના પૂર્વ?સરપંચ પરસોત્તમભાઈ રાઠોડે આવેદનપત્રમાં જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer