ભારે વરસાદ પછી પુંઅરેશ્વર મંદિર વધુ જર્જરિત બન્યું છે

વિથોણ (તા. નખત્રાણા) તા. 18 : ભુજ-નખત્રાણા હાઈવે ઉપર આવેલા પુંઅરેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરની ગાથા અને વ્યથા જગજાહેર છે. 2001માં આવેલા ભૂકંપે મંદિરને વધુ જર્જરિત બનાવી દીધું છે. અત્યારે જે પથ્થરો પડવાના વાંકે લટકે છે તે કોઈ કુદરતી ચમત્કાર છે. આ પૌરાણિક મંદિર કચ્છની અજાયબીની સાથે ધરોહર પણ છે.પુરાતત્વ વિભાગની લક્ષ્મણરેખા અંકિત હોવાથી કોઈ પણ સંસ્થાઓ કામ કરી શકતી નથી. પુરાતત્વ વિભાગે અનેક વખત કામ હાથમાં લીધું છે. પરંતુ પૂરું કરી શકયા નથી. છેલ્લે 2010માં મંદિરના પુન:?નિર્માણ માટે પથ્થરો આવ્યા અને ગોકળ ગાયની ગતિએ કામ ચાલ્યું જેમાં માત્ર પાયાનું જ કામ થયું અને પણ અધુરું મૂકવામાં આવ્યું છે. નિજ મંદિર અને બહાર દૃશ્ય ખંડેર જેવું દેખાય છે. વિકાસની વાતું કરતા રાજનેતા અહીંથી પસાર થાય છે પરંતુ તેઓ મંદિરના જીર્ણોદ્ધાર વિશે કાંઈ જ કહેતા નથી. નેતાઓને પોતાનો અને પક્ષનો વિકાસ કેમ થાય તેટલું જ વિચારે છે. અત્યારે કચ્છમાં થયેલા ભારે વરસાદ પછી મંદિર વધુ જોખમી બન્યું છે. મંદિર સમિતિ અને આજુબાજુમાં લાખાડી, પલીવાડ, આણંદપર, મોરઘર, સાંયરા, દેવપર જેવા ગામોના ભાવિકોએ સરકાર પાસે અનેક રજૂઆતો કરી છે. પરંતુ કોઈના પેટનું પાણી હાલતું નથી. મંદિરના નિર્માણ માટેની અડચણો હવે હદ વટાવી ગઈ છે તેવું ભક્તોએ જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer