મુંબઇ-કચ્છનો રેલવે વ્યવહાર આરંભવા રજૂઆત

માંડવી, તા. 18 : ધી કચ્છ માંડવી મરચન્ટ એસોસિયેશને રેલવેમંત્રી પીયૂષ ગોયલને કચ્છ ભુજને મુંબઇની પેસેન્જર ટ્રેન ચાલુ કરવા માગણી કરતાં જણાવ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે તા. 22/3/ 2020થી કચ્છનો મુંબઇ સાથેનો પેસેન્જર ટ્રેન વ્યવહાર બંધ છે. જ્યારે અનલોક-2થી અનલોક-4 સુધીમાં 300 સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી દેવામાં આવી છે.હાલમાં જ તા. 20/9/ 2020થી 80 સ્પેશિયલની રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પણ એ યાદીમાં ભુજ-મુંબઇ ટ્રેનનો સમાવેશ નથી. કચ્છનો મહત્તમ સામાજિક તથા વ્યાપારિક વ્યવહાર મુંબઇ સાથે જોડાયેલો છે છતાંય કયા કારણસર કચ્છને પેસેન્જર ટ્રેન સેવાથી છેલ્લા 3 મહિનાથી વંચિત રાખવામાં આવ્યું છે ? તાત્કાલિક ધોરણે ભુજ-મુંબઇ પેસેન્જર ટ્રન સેવાને કાર્યરત કરવામાં આવે તેવી માગણી કરાઇ હતી. રજૂઆત સાંસદ વિનોદભાઇ ચાવડા તથા જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે ચર્ચગેટને પણ કરવામાં આવી હોવાનું એસોસિયેશનના પ્રમુખ લલિત આર. મહેતા તથા મંત્રી વિપુલ આર. ગાંધીએ જણાવેલું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer