નવી નીતિ કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે કેટલી લાભદાયી ?

નવી નીતિ કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે કેટલી લાભદાયી ?
ભુજ, તા. 17 : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિનું એલાન કર્યું છે. ધરખમ ફેરફારવાળી આ નીતિ કચ્છ જિલ્લા માટે કેવી અને કેટલી ફાયદાકારક હશે તેની ચર્ચા-વિચારણા થઇ રહી છે. જાણીતા શિક્ષણ તજજ્ઞ અને કચ્છ યુનિ.ના પ્રોફેસર મહેશ ઠક્કરના કહેવા મુજબ આ નવી શિક્ષણનીતિના બીજ 2015માં કસ્તૂરી રેગન કમિટી નીમીને રોપાયા. જેને 2019માં ડ્રાફટ સ્વરૂપે શિક્ષણ સમાજ સામે મૂકવામાં આવી. આમ તો 1986માં શિક્ષણનીતિ ઘડવામાં આવી અને તેમાં 1992માં જે-તે વખતની સરકારે અનેક સુધારા કર્યા હતા. આપણે ત્યાં બ્રિટિશરો દ્વારા બનાવાયેલી પદ્ધિતિમાં પ્રથમ વખત સુધારો કરાયો હશે. જો કે ત્રણ દાયકામાં અનેક પ્રકારના આયામો બદલાઇ ગયા તેથી નવી શિક્ષણનીતિની જરૂર ઊભી થઇ આ નવી શિક્ષણનીતિમાં ભારતીયતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં વ્યાવસાયીકરણ તથા સરકારીકરણ વિશે સ્વસ્થ અભિગમ દેખાતો નથી એવું કહી શકાય એવલ તેમણે અભિપ્રાય આપ્યો હતો.નવી શિક્ષણનીતિનો કચ્છના પરિપ્રેક્ષ સંદર્ભે વાત કરતાં શ્રી ઠક્કરે કહ્યું હતું કે, પહેલાં આઝાદી બાદનો કચ્છનો શિક્ષણ સિનારિયો જોઇએ.  1952માં રામજી રવજી લાલનના અનુદાનથી ઉચ્ચ શિક્ષણરૂપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની સ્થાપના સૌ પ્રથમ દરબારગઢમાં થઇ. 1958માં તેનું નવું મકાન બનાવાયું. એ સમયે કચ્છમાં લાલન કોલેજ એક જ ઉચ્ચશિક્ષણનું કેન્દ્ર હતું. સરકાર હસ્તકની આ કોલેજ ત્યારે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી. 1958ના અરસામાં કાકા પ્રભુદાસ તોલાણી દ્વારા આદિપુરમાં શિક્ષણ સંકુલની રચના થઇ જેમાં મહદ્અંશે હિન્દી, અંગ્રેજી અને સિંધી ભાષામાં શિક્ષણ પીરસવામાં આવ્યું. કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, લો, ફાર્મસી, ટેકનિકલ તેમજ બી.એડ. જેવી બહુવિધ કોલેજની રચના કાળક્રમે થઇ. ભુજમાં પણ કોમર્સ કોલેજ, લો કોલેજ, માંડવીમાં આર્ટસ અને કોમર્સ કોલેજની રચના થતાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધ્યો. પણ  2001માં કચ્છ યુનિ.ની સ્થાપના થતાં કોલેજોની સંખ્યા વધીને સેલ્ફ ફાયનાન્સ સહિતની 45ના આંકડે પહોંચી છે.નવી શિક્ષણનીતિને કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે આશાવાદી ગણાવતાં શ્રી ઠક્કરે કહ્યું કે, કચ્છની તોલાણી કોલજના સંકુલને કાળક્રમે ગ્રેડેડ ઇકોનોમી અને સંપૂર્ણ સ્વાયત્તતા આપી શકાય તેવા ઉજળા સંજોગો ઊભા થઇ રહ્યા છે. ભવિષ્યમાં આ સંકુલને અલગ મલ્ટિ ડિસીપ્લીનરી યુનિવર્સિટીનું સ્ટેટસ મળી રહેવાના સંજોગો બની શકે છે. કચ્છમાં બીજી અનેક કાર્યકારી ઓટોનોમસ બની શકે તેવા સંજોગો જો કે જણાતા નથી, પણ કચ્છ યુનિવર્સિટીને કચ્છમાં મલ્ટિ ડિસીપ્લીનથી યુનિવર્સિટીનું બિરુદ મળી શકે અને ભવિષ્યમાં લાઇફ સાયન્સ, બાયોકેમેસ્ટ્રી, જિયો ફિઝિક્સ, હિન્દી કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ, મ્યુઝિકલ એન્ડ પરફોર્મિંગ આર્ટસ, લાયબ્રેરી સાયન્સ વગેરેનો વિકાસ બની શકે પણ આ બધા માટે વિકાસ આડેના અવરોધો દૂર કરવા પડશે.નવી શિક્ષણનીતિનો અમલ કરવા માટે કુશળ પ્રાધ્યાપકો, કુશાગ્ર અને સમજદાર વહીવટદારોની તાતી જરૂર છે, નહીંતર નીતિ ફક્ત કાગળ ઉપર અને સમિતિઓ, પેટા સમિતિઓ કોંક્રીટના બિલ્ડીંગ અને સંકુલોમાં જ સમાઇ રહેશે.નવી શિક્ષણનીતિ અંતર્ગત વોકેશનલ ટ્રેઇનિંગ માટે વધુ સંકુલો બની શકે અને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી શકે છે. ઉચ્ચ શિક્ષણને વ્યવહારિક, સમાજ ઉપયોગી અને વ્યાવસાયિક બનાવવાનો અભિગમ અપનાવવા વધુ ગુણવત્તાસભર શિક્ષકો, વધુ સ્વતંત્રતા અને સરળ વહીવટી પ્રક્રિયા જરૂરી બનશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer