જી.કે. જનરલ હોસ્પિટલમાં વધુ એક કોરોના વોર્ડ ચાલુ થશે

જી.કે. જનરલ હોસ્પિટલમાં વધુ એક કોરોના વોર્ડ ચાલુ થશે
ભુજ, તા. 17 : અદાણી સંચાલિત અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ એક વોર્ડ શરૂ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને હવે એ અંતિમ તબક્કામાં પહોંચી છે. અધિક મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હીરાણીના જણાવ્યા અનુસાર કચ્છમાં કોરોનાની શરૂઆતે કોવિડ-19 વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ, જિલ્લામાં કોવિડ-19 દર્દીની સંખ્યામાં વધારો નોંધાતાં જિલ્લા વહીવટી તંત્રે આ હોસ્પિટલમાં વધુ બેડનું નિર્માણ કરવાની આવશ્યકતા દર્શાવતાં કોરોના વોર્ડ-2ને અંતિમ સ્પર્શ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના પ્રથમ માળે અને પ્રથમ વિંગમાં 90 બેડની પથારી ધરાવતો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પથારીનું આયોજન કરવાનું હોવાથી અંદાજે 75 જેટલા બેડ સાથે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ વોર્ડમાં તમામ જરૂરી સગવડો ઊભી કરવામાં આવી છે. 8000 ચો. ફૂટનાં ક્ષેત્રફળમાં નિર્મિત આ વોર્ડમાં દર્દીઓને ઓક્સિજનનો જથ્થો સીધો મળી રહે એ માટે ખાસ પાઇપલાઈન મોકલવામાં આવી છે. જે બેડ પાસે જ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત ફાયર ડિટેકશનના ભાગરૂપે અગ્નિશમન યંત્ર પણ ગોઠવવામાં આવ્યું છે. વોર્ડમાં અંદરના હવાના દબાણનું નિયમન કરવા 10 એકઝોસ્ટ ફેન પણ રાખવામાં આવ્યા છે. ઉપરાંત દર્દીઓ માટે પીવાનું ગરમ પાણી મળે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વોર્ડમાં પ્રથમ માળ અને બીજા માળનું ફોલ્સ સીલિંગ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં બેડ સાથે, પરિચારિકાઓ માટે 3 નર્સિંગ સ્ટેશન, પંખા, ટ્રીટમેન્ટ રૂમ, ડોકટર રૂમ, ડેમો રૂમ તેમજ ટોયલેટની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પ્રકારના આધુનિક વોર્ડનું ટૂંકમાં જ લોકાર્પણ કરાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer