નાગપુરમાં કચ્છીની સો-મિલ આગમાં ભસ્મીભૂત

નાગપુરમાં કચ્છીની સો-મિલ આગમાં ભસ્મીભૂત
વિથોણ (તા. નખત્રાણા), તા. 17 : મહારાષ્ટ્રના નાગપુરમાં મૂળ નખત્રાણાના વતની ભગવાન લીંબાણી અને તેમના ત્રણ ભાઈની લાકડાની સો-મિલોમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ આગ ભભૂકતાં મોટા નુકસાનની ભીતિ છે.આગની જાણ થતાંની સાથે સોમિલ માલિકો અને નાગપુર લકડગંજ પાટીદાર સમાજના ભાઈ દોડી આવ્યા હતા. અગ્નિશામક દળને જાણ કરી હતી પરંતુ તેમને આવવામાં વિલંબ થતાં જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી.નાગપુરના લકડગંજ વિસ્તારમાં ભગવાનભાઈ, લધાભાઈ, જીવરાજભાઈ, પ્રભુભાઈની સોમિલમાં ડોર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં પાંચ બેન્સા, મોટરો તેમજ અન્ય ઉપકરણો સ્વાહા થઈ ગયા છે. જો કે અગ્નિશમન આવ્યા પછી જીવરાજભાઈની સો-મિલની આગ કાબૂમાં આવતાં 50 ટકા જેટલું નુકસાન થયું છે, પરંતુ ચાર સો-મિલ સંપૂર્ણ બળી ગઈ હતી.આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ચારેય ભાઈઓનું કરોડોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના પાટીદારો અને સમાજના હોદ્દેદારોએ સો-મિલ માલિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સમાજ તેમની સાથે હોવાની બાંહેધરી આપી હોવાનું નાગપુરથી કીર્તિભાઈ ભગતે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer