ઇઝરાયેલની બારહી ખારેકમાંથી કચ્છી ખજૂર બને છે

ઇઝરાયેલની બારહી ખારેકમાંથી કચ્છી ખજૂર બને છે
પ્રશાંત પટેલ દ્વારા-
ભુજ, તા. 17 : ખારેકમાંથી ખજૂર બને. હકીકતમાં તો તમામ પ્રકારથી ખારેક ખજૂર બનાવવા માટે જ બની છે તેવું કહેવામાં જરા પણ અતિશયોકિત નહીં ગણાય. લોકોને ખારેક કરતાં ખજૂર ખાવી વધુ ગમતી હોય છે. અખાતી દેશોમાં તો ખારેકમાંથી ખજૂર બને છે એ સૌ કોઇ જાણે સમજે છે, પરંતુ કાલ સવારે તમને એવું સાંભળવા મળે કે, કચ્છમાં પણ ખારેકમાંથી ખજૂર બની રહી છે તો ? આવું કહેનારને હસી કાઢે, વાત માન્યામાં ન આવે તેવી પરંતુ સાવ સાચી છે. મૂળ આણંદપરના અને અત્યારે સુખપરમાં રહેતા પ્રયોગશીલ કિસાન ગોવિંદભાઇ ભાણજી પટેલ ખારેકમાંથી ખજૂર બનાવવામાં સફળતા મેળવીને ભલભલા કૃષિ વૈજ્ઞાનિકોની આંખો આંજી નાખે તેવી સિદ્ધિ મેળવી છે.આ માત્ર કચ્છ, ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશનો પ્રથમ સફળ પ્રયોગ છે. `આત્મનિર્ભર ભારત'ની વાતો આજે દેશના ખૂણે ખૂણે થઇ?રહી છે, ત્યારે લાખો ટન ખજૂરની ખપત માટે વિદેશ પર નિર્ભર રહેતા ભારતના સાવ છેવાડાના રણ પ્રદેશના કિસાન ગોવિંદભાઇએ ખજૂર ક્ષેત્રે કચ્છને આત્મનિર્ભર બનાવવાની પ્રેરક પહેલ કરી છે. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી સતત પરિશ્રમપૂર્વકની પ્રયોગશીલતાના પરિણામો મળ્યાં છે. સમગ્ર દેશમાં ખારેકમાંથી ખજૂર બનાવવાના પ્રયોગ અંગે ગોવિંદભાઇએ `કચ્છમિત્ર' સાથે માંડીને વાત કરી હતી.વાર્ષિક ચારથી પાંચ લાખ ટન ખજૂર ભારત આયાત કરે છે. મતલબ કે, ઇરાન, ઇરાક, દુબઇ, સાઉદી અરેબિયા, યુએઇ, ઓમાન, મસ્કત જેવા અખાતી દેશોમાં બનતી ખજૂર ભારત ખાય છે. હવે આ મીઠી મધુરી ખજૂરની જનેતા સમાન હજારો ટન ખારેક વરસાદમાં બગડી જતી હોય છે ત્યારે ખારેકને બગડતી બચાવવાનું બીડું આ કિસાને ઝડપી લીધું છે. હવે સૌથી મોટો પ્રશ્ન સૌને થાય કે, કચ્છમાં કદી ખજૂર પાકી હોવાનો તો કોઇ ઇતિહાસ જ નથી અને કચ્છમાં ખજૂર થાય જ કેમ ? કચ્છમાં ખારેકમાંથી ખજૂર બનાવવાનો પ્રયોગ એક મોટો પડકાર જ કહી શકાય. ત્યારે પડકારોને પડકારવાની પ્રકૃતિ સાથે ગોવિંદભાઇએ અખાતી દેશો અને કચ્છના હવામાન વચ્ચેના ભેદનો  ખૂબ બારીકાઇપૂર્વક અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ ખાડી દેશોમાં જે તાપમાન, હવામાન હોય છે તેવું સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે તેમણે ખાસ ખજૂર માટે સેન્સર્સ સાથેની ચેમ્બર બનાવી જેમાં હવા, ગરમી, તાપ, ભેજનું પ્રમાણ જળવાય તેનું 24 કલાક ધ્યાન રાખવું પડતું હોય છે. હકીકતમાં કાચી ખોરાક પાકે અને ખાઇ શકાય તેવી  થાય ત્યાર પછી તેમાંથી ખજૂર બનાવી શકાય તેવા ગાળા દરમ્યાન કચ્છમાં પડતો વરસાદ વિઘ્ન સર્જતો હોવાથી અહીં ખજૂર બનાવવી મોટો પડકાર બની રહેતો હોય છે. ખાસ તો ઇઝરાયેલી બારહી ખારેકમાંથી ખજૂર બને જ નહીં, તેવી માન્યતા પ્રચલિત છે, ત્યારે ઇઝરાયેલી ખારેકમાંથી કચ્છી ખજૂર બનાવીને ખેતીમાં મૂલ્યવૃદ્ધિના મોરચે ગોવિંદભાઇ?પટેલે કરેલા પ્રયોગની નોંધ કચ્છના કૃષિ જગતના ઇતિહાસને લેવી જ પડે.મહારાષ્ટ્ર છોડીને પોતાના પ્રદેશમાં કંઇક નવું કરવાની ઝંખના સાથે પાછા વતનની વાટ પકડનાર ગોવિંદભાઇની પ્રયોગશીલતાની પહેલથી પ્રેરણા લઇને તેમના બંને શિક્ષિત પુત્રો પણ આ પ્રવૃત્તિમાં જોડાયા. રસાયણશાત્રમાં બીએસસી થયેલા મોટા પુત્ર નીલેશ અને જિયોલોજીમાં બીએસસી થયેલા નાના પુત્ર મયૂર ફૂડ પ્રોસેસિંગના નવતર ક્ષેત્રને પોતાની કારકિર્દી બનાવીને આજની યુવા પેઢીને કંઇક નવું કરવાની પ્રેરણા આપી રહ્યા છે. આમ, કચ્છમાં વિવિધ કૃષિ પેદાશોનું ફૂડ પ્રોસેસિંગ કરી મૂલ્યવૃદ્ધિ માટે વિશાળ તકો છે. જે સમયસર યુવાપેઢી ઝડપી લે તો  કચ્છના યુવાનોને એક નવાં જ ક્ષેત્રમાંથી ઘરઆંગણે રોજગારી મળી શકે અને આયાતનું પ્રમાણ ઘટતાં દેશનો  મોટો ખર્ચ બચાવી શકાય તેવું ગોવિંદભાઇ કહે છે. આવી સંશોધનાત્મક પ્રવૃત્તિ કરનાર કિસાન કહે છે કે, સરકાર તરફથી સહયોગ મળે તો યુવાનોને ખારેક પ્રોસેસિંગ જેવી પ્રવૃત્તિઓની તાલીમ આપવાની તૈયારી છે. ટૂંકી ને ટચ વાત કરીએ, તો યુનિવર્સિટી સંશોધન પ્રયોગને માન્યતા આપે તો એ દિવસો જરૂર આવશે જ્યારે કચ્છી કેસર કેરીની જેમ કચ્છી ખજૂરના સ્વાદનેય વિશ્વ વખાણશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer