દેવપુરમાં ધોધમાર વરસાદથી કાચો પુલ ફરી તૂટયો

દેવપુરમાં ધોધમાર વરસાદથી કાચો પુલ ફરી તૂટયો
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 17 : ધોધમાર વરસાદના પગલે ગામની નજીકની નદી પર બે વર્ષ અગાઉ  ધોવાઇ ગયેલો પુલ ફરી તૂટી ગયો હતો. ગામને જોડતા બંને રસ્તાઓ પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. કોટડા (રોહા) અને ગઢશીશા તરફના ડામરના બિસ્માર રસ્તાની બંને બાજુઓ ધોવાઇ જતાં માર્ગ જોખમી બન્યો છે. ગામના ઉપસરપંચ પ્રેમજી નરશી બુચિયાએ આપેલી માહિતી મુજબ તૂટેલા પુલ માટે તાલુકા, જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરી છે. રસ્તા માટે લેખિતમાં માગણીઓ કરાઇ હોવા છતાં આ બિસ્માર માર્ગ બનતો નથી. ગામને ગઢસીસા, કોટડા (રોહા) અને દનણા સાથે જોડતા રસ્તા સાવ બિસ્માર છે. બિસ્માર રસ્તા પર વારંવાર અકસ્માતો થતા રહે છે. દેવપુરથી કોટડા (રોહા) વચ્ચેના રસ્તા પર આવેલા નાના વોકળાઓ પરની પાણીની પાપડીઓમાં આવતા વરસાદી પાણીએ ઠેકઠેકાણે ધોવાણ કરી નાખતાં માર્ગ મુશ્કેલ બન્યો હતો. આ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવી તેમણે માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer