મેક્સવેલ-કેરીની સદીથી ઓસ્ટ્રેલિયાનો શ્રેણી વિજય

માંચેસ્ટર, તા.17: ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને વિકેટકીપર એલેક્સ કેરીના શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે આખરી ઓવરમાં 3 વિકેટે રોમાંચક જીત મેળવીને સિરિઝ પર 2-1થી કબજો જમાવ્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડની ટીમે ઘરઆંગણે પાંચ વર્ષ બાદ પહેલીવાર વન ડે શ્રેણી ગુમાવી છે. જીત માટે ઓસ્ટ્રેલિયાને આખરી ઓવરમાં 10 રનની જરૂર હતી. મેક્સવેલ અને કેરી આઉટ થઇ ચૂકયા હતા, પણ સ્ટાર્કે આદિલ રશીદના પહેલા જ દડે છક્કો ફટકારીને બાજી પલટાવી હતી. આ પછી સ્ટાર્કે ચોથા દડે ચોક્કો ફટકારીને ઓસ્ટ્રેલિયાને યાદગાર જીત અપાવી હતી. ઇંગ્લેન્ડના પ0 ઓવરમાં 7 વિકેટે 302 રન થયા હતા. જ્યારે ઓસિ.એ 49.4 ઓવરમાં 7 વિકેટે 30પ રન કરીને જીત મેળવી હતી. 303 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને પડેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત બહુ ખરાબ રહી હતી અને 73 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેન ઓફ ધ મેચ ગ્લેન મેક્સવેલે 90 દડામાં 4 ચોક્કા અને 7 છક્કાથી 108 અને એલેક્સ કેરીએ 114 દડામાં 7 ચોક્કા અને 2 છક્કાથી 106 રનની ઇનિંગ રમી હતી. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 212 રનની મેચ વિનિંગ ભાગીદારી થઇ હતી.  જો કે 47મી ઓવરમાં મેક્સવેલ અને 48મી ઓવરમાં કેરી આઉટ થઇ જતાં મેચ પણ ઇંગ્લેન્ડની ફરી પકડ બની હતી. પણ સ્ટાર્કે આખરી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને નાવ પાર કરી હતી.આ પહેલા ઇંગ્લેન્ડે તેની ઇનિંગના પહેલા બે દડે જેસન રોય અને જો રૂટની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી જોની બેયરસ્ટોની 126 દડામાં 12 ચોક્કા અને 2 છક્કાની મદદથી 112 રનની અને સેમ બિલિંગ્સે પ8 દડામાં પ6 રનની  ઇનિંગ રમી હતી. બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 114 રનની ભાગીદારી  નોંધાઇ હતી. આ સિવાય ક્રિસ વોક્સે 39 દડામાં પ3 રન કર્યાં હતા.  આથી ઇંગ્લેન્ડે 7 વિકેટે 302 રનનો જબૂત સ્કોર નોંધાવ્યો હતો. ઓસિ. તરફથી સ્ટાર્ક અને ઝમ્પાએ 3-3 વિકેટ લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer