રિમોટ કંટ્રોલથી વજનકાંટામાં એરંડાનો ઘટાડો બતાવી છેતરતી ટોળીને ભાગવું પડયું

દયાપર (તા. લખપત), તા. 17 : સચરાચર વરસાદ બાદ ખેડૂતો એરંડાના પાકનું વેચાણ કરવા બારાતુ વેપારી વેપારીઓની રાહ જોતા આતુર છે ત્યારે નખત્રાણા તાલુકાના રવાપર ગામના ખેડૂતના એરંડાના સોદામાં મોટી છેતરપિંડી તે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વજનકાંટાનું વજન મનમાન્યું કરી છેતરવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયા પછી આવો જ બનાવ ઘડુલીમાં બન્યો હતો, પરંતુ ખેડૂતોની સતર્કતા અને આ વીડિયો વાયરલના કારણે ફકત પાંચ ખેડૂતો ભોગ બન્યા પછી છેતરપિંડીનું કામ અટક્યું છે. જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ જશવંતભાઇ પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં રવાપર ગામે એરંડાની જોખમાં વજનકાંટામાં ગૂણી રખાયા પછી થોડે દૂરથી તેનું રિમોટ કંટ્રોલથી સંચાલન કરતો માણસ ગોઠવવામાં આવ્યો હતો અને 100 કિ.ગ્રા. વજન હોય તો પણ 70 અને 80 કિ.ગ્રા. વજન રિમોટ કંટ્રોલથી થોડે દૂર સંતાયેલો માણસ વજનકાંટાને રિમોટ કંટ્રોલ વડે વજન ઘટાડી નાખતો હોવાનો સિનારિયોનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે ગઇકાલે ઘડુલી ગામમાં માંડવી તાલુકાના એક ગામડાના એરંડા વેપારી અહીં આખી ટીમ લઇ આવ્યા હતા અને ભરબપોરે એરંડાનું વજન કરવાનું નક્કી કરાયું (કારણ કે બપોરે માણસો આરામમાં હોય તેથી આવું કામ કરી શકાય.) અને ચાર ખેડૂતોના માલનું વજન થઇ ગયું, સોદો થઇ ગયો, પાંચમા ખેડૂતનું વજન કરવા કામ ચાલુ થયું પરંતુ આ ખેડૂતે ચોથો ભાગ ભાગીદારને આપવાનો હોતાં તેનું પહેલેથી જ ભાગીદારની સામે વજન કરી નખાયું હતું. 90થી 100 કિ.ગ્રા.ની આ ગૂણીઓનું વજન જેવું આ ટોળકીએ ચાલુ કર્યું તો અહીં 70/73 કિ.ગ્રા. વજન થવા  મંડયું એટલે ખેડૂતે વિરોધ કર્યો કે અમે એ વજન કરાવ્યું છે.100 કિ.ગ્રા. છે. આમાં 73  કિ.ગ્રા. કેમ થાય ? વજનકાંટો બદલાવવા આગ્રહ કર્યો ત્યારે આ ટોળકી સમજી ગઇ કે ભાગવામાં માલ છે અને પાંચમા વેપારીનો માલ લીધા વગર સોદો રદ કરી જલ્દીથી છૂમંતર થઇ?ગયા... !ખેડૂતના પરિવારજનો વડીલોને કહેવા લાગ્યા કે આવું ન બને, શક્ય નથી. માલ આપી દેવો'તો આમાં તો આપણું ખરાબ લાગે...! પરંતુ જ્યારે આ યુવાનોને પણ ખબર પડી કે વજનકાંટો તો દૂરથી રિમોટ કંટ્રોલ વડે સંચાલિત થઇ રહ્યો છે ત્યારે જે લોકોએ એરંડા ના આપ્યા તેમને છેતરામણીથી બચવાનો આનંદ થયો હતો. આ ચર્ચા સમગ્ર પંથકમાં ફેલાતાં ખેડૂતો જાગૃત થયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer