કચ્છમાં ત્રણ સ્થળે દરોડા પાડી પોલીસે 85 હજારના દારૂ સાથે બેને ઝડપ્યા

ગાંધીધામ, તા. 17: કચ્છમાં પોલીસે અંજાર, ગાંધીધામ અને મુંદરા તાલુકાના વિરાણિયામાં ત્રણ સ્થળે દરોડા પાડી 85 હજારની કિંમતનો અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં મહિલા સહિત બે આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે બે  આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયા હતા.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રેન્જ સ્તરેથી કાર્યવાહી કરાયા બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. એ-ડિવિઝન પોલીસે જૂની-નવી સુંદરપુરી  શક્તિનગરના મકાન નંબર ડી.16ની સામે આવેલા મકાનમાં દરોડો પાડયો હતો.  અહીંથી લક્ષમીબેન મગન આયડી (મહેશ્વરી)ની અટક કરવામાં આવી હતી. આ  મહિલાના મકાનમાંથી 750 એમ.એલ.ની 24 બોટલ, 350 એમ.એલ.ના 72 કવાર્ટરિયા અને બિયરના 71 ટીન એમ કુલ 42,180ની કિંમતનો શરાબ હસ્તગત કરાયો હતો. પરંતુ મુખ્ય સૂત્રધાર એવો ગોવિંદ બાબુ ઘેડા નામનો શખ્શ પોલીસના હાથમાં આવ્યો ન હતો. સરહદી રેન્જની ટીમે અંજાર તાલુકાના ચાંદ્રોડામાં ગઈકાલે છાપો માર્યો હતો. વાડી માલિક મંગા મજા ઉર્ફે મયજર મરંડ (આહીર) નામનો શખ્શ પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ શખ્શની વાડીની ઓરડીમાંથી 750 એમ.એલ.ની 72 બોટલ તથા 72 ટીન બિયર  એમ કુલ રૂા. 28,800નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો.  બીજી બાજુ મુંદરા તાલુકાના વીરાણિયા  ગામમાં વાડામાંથી  શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત રાત્રિના 9.45 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમ્યાન આરોપી શક્તિસિંહ ઉર્ફે મહાવીરસિંહ મહિપતસિંહ ઝાલના કબ્જામાંથી દારૂની 49 નંગ બોટલો કબ્જે કરાઈ હતી.  શરાબના જથ્થાની કિંમત રૂ. 13,650 આંકવામાં આવી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer